મને ગમતું પુસ્તક વાર્તાલાપ:

વાચન પ્રવૃત્તિ વિકસે અને પુસ્તકના વાચન અને ન વાંચનાર વચ્ચે જ્ઞાનસંગમ રચાય એ હેતુથી અહીં મહિનાના દર શનિવારે વડીલો, મહિલાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બાળકો માટે મને ગમતું પુસ્તક વાર્તાલાપ છેલ્લા પંદર વર્ષથી યોજાય છે.આ પ્રવૃત્તિ હેઠળ વિદ્વાન વાચકો દ્વારા પોતાને મનગમતાં પુસ્તક પર વક્તવ્ય આપવામાં આવે છે.અને પુસ્તકમાં સમાવિષ્ટ વિશિષ્ટ પાસાંઓની ચર્ચા-વિચારણા અને વિશ્લેષણ કરવામાં આવે છે. અને ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી થાય છે. બાળકો આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. આમ બાળકોને પુસ્તકો અને પુસ્તકાલય તરફ વાળવાનો અભિગમ સફળ થયો છે. બાળકો માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર ગુજરાતનું આ એક માત્ર પુસ્તકાલય છે.

સ્વ. ડૉ. અસ્માબેન સ્મૃતિ ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપ:

  • દર મહિનાના પ્રથમ શનિવારે સાંજે ૬-૦૦ કલાકે યુવાનો માટે
  • દર મહિનાના બીજા શનિવારે સાંજે ૬-૦૦ કલાકે બાળકો માટે
  • દર મહિનાના ત્રીજા શનિવારે સાંજે ૪-૦૦ કલાકે મહિલાઓ માટે
  • દર મહિનાના ચોથા શનિવારે સાંજે ૬-૦૦ કલાકે વડીલો માટે

વિશ્વભરમાં આ કેવળ એકમાત્ર પુસ્તકાલય હશે જે આ રીતે દર મહિને આઠ જેટલાં પુસ્તકોનો પરિચય છેલ્લા ૧૫ વર્ષથી નિરંતર કરાવે છે.

વડીલો માટેના આ વાર્તાલાપમાં માર્ચ ૨૦૧૦ સુધીમાં ૧૬૮ જેટલા વક્તાઓએ એમને ગમતા વિવિધ વિષયો પર પુસ્તકોનો પરિચય કરાવ્યો છે. તો મહિલાઓ માટેના વાર્તાલાપમાં ૬૯ જેટલી મહિલાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટેના વાર્તાલાપમાં ૧૦૪ જેટલા વિદ્યાર્થીઓએ વાર્તાલાપ આપ્યા છે. તો સૌથી વિશેષ બાળકો માટેના કાર્યક્રમમાં કુલ ૪૨૨ બાળકોએ આપ્યા છે. આમ આજ સુધીમાં કુલ ૭૭૩ જેટલા પુસ્તકો પર વાર્તાલાપો યોજાયા છે.

વરિષ્ઠ નાગરિકોની સેવાનો હંમેશા ખ્યાલ રાખતું આ પુતકાલય બાળકો માટે પ્રતિબધ્ધ છે. ‘મને ગમતું પુસ્તક’ બાળકો માટેની વાર્તાલાપ શ્રેણીએ નવસારીની શાળાના વિદ્યાર્થીઓને એક મંચ પૂરો પાડયો છે. વિવિધ શાળાના ૪૨૨થી વધુ બાળકોએ વક્તા તરીકે તેમને ગમતા પુસ્તકો પર વાર્તાલાપ આપ્યા છે. આ શ્રેણીમાંથી પ્રેરણા લઇ ઘણી શાળામાં આ પ્રવૃત્તિઓ શરૂ થઇ છે.

ભગવતીકુમાર શર્માએ આ વાર્તાલાપ શ્રેણીના બાળવક્તાને સાંભળીને કહ્યું હતું કે ‘આ બાળ વક્તાને સાંભળીને હું ગુજરાતી ભાષા વિષે આશ્વસ્ત થયો છું’.