આધુનિક યુગ માહિતીનાં વિસ્ફોટનો યુગ છે. જ્ઞાન અને માહિતીનાં પ્રસારણ માટે નવાં નવાં ઇલેક્ટ્રોનિક માધ્યમો વિજ્ઞાને આપણને આપ્યાં છે. પુસ્તકોની અને પુસ્તકાલયોની ઉત્ક્રાંતિ ખૂબ જ ઝડપથી થઇ રહી છે. વિવિધ ભાષાઓમાં પ્રસિધ્ધ થતાં પુસ્તકો, સામયિકોની સંખ્યામાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. જ્ઞાન અને માહિતીની ભૂખ સમાજમાં ઉઘડી છે. પુસ્તકાલયો તો આપણાં વિશ્વ વિદ્યાલયો છે, સરસ્વતીનાં મંદિરો છે, જ્ઞાનનાં મંદિરો છે. જ્ઞાન અને સંસ્કારથી સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માણ માટે સમૃધ્ધ ગ્રંથાલયોની ખૂબ જ જરૂર છે.

ઉપરોક્ત હેતુઓને લક્ષમાં લઇ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ આ પુસ્તકાલયનો કાયાકલ્પ કરવાનો સંકલ્પ કર્યો છે. આ પુસ્તકાલય એક શ્રેષ્ઠ, આદર્શ અને એકવીસમી સદીના પુસ્તકાલયને અનુરૂપ આધુનિક પુસ્તકાલય બની રહે તેમજ પુસ્તકાલય અને વાંચન પ્રવૃત્તિ વિકસે, ફૂલે ફાલે એવા હેતુઓને લક્ષમાં લઇ કેટલાંક ટૂંકા ગાળાનાં તેમજ કેટલાંક લાંબા ગાળાના કાર્યક્રમોમાં આ તમામ પ્રકલ્પો-કાર્યક્રમો તબક્કાવાર જેમ જેમ દાન મળશે તેમ તેમ અમલમાં મૂકાતા જશુ.


આર્ટ ગેલેરી:

નવસારી કલાનગરી તરીકે જાણીતી છે. અહીંના કલાકારો અને ખાસ કરીને ઉગતા કલાકારો, બાળ કલાકારોને પ્રોત્સાહન મળે, એમની કલા વિકસે એવા ઉમદા હેતુથી એક આર્ટ ગેલેરીની સ્થાપના કરવામાં આવશે. જેમાં ચિત્રકલા તેમજ અન્ય કલાઓને લગતાં પ્રદર્શન યોજવાની સગવડ હશે. ઉગતા કલાકારો અને બાળ કલાકારોને પ્રોત્સાહન મળી રહે એ માટે વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવશે.


સંગ્રહાલય:

(જમશેદજી ટાટા, દાદાભાઇ નવરોજજી અને સયાજીરાવ ગાયકવાડનું જીવન દર્શન તપમજ ગુજરાત દર્શન) જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજજીની જન્મભૂમિ નવસારી છે. આ મહાન નરરત્નોએ અહીં જન્મ લીધો અને નવસારીને એક અનોખું ગૌરવ બક્ષ્યું. આ બન્ને નરરત્નોની જીવનઝાંખી પ્રાપ્ત થઇ શકે એવું કોઇ સ્મારક નવસારીમાં નથી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, જેમને હસ્તે આ પુસ્તકાલયની સ્થાપના થઇ હતી અને જેમણે પુસ્તકાલય પ્રવૃત્તિમાં ખૂબ મોટું યોગદાન આપ્યું, એમની જીવનઝાંખી પ્રાપ્ત થાય.


ફરતું પુસ્તકાલય:

એક યા બીજાં કારણોસર રોજિંદા જીવનની ઘટમાળમાંથી સમય કાઢી ઘણાં લોકો પુસ્તકાલયમાં જઇ શકતાં નથી. પુસ્તક વાચક સુધી પહોંચે અને એ રીતે વાચન પ્રવૃત્તિનો વિકાસ થાય એ હેતુથી ફરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ એક વાહનમાં ૫૦૦ થી ૧૦૦૦ જેટલાં પુસ્તકો લઇ વાહન નવસારીનાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ આસપાસનાં ગામોમાં પખવાડિયામાં એકવાર મુલાકાત લેશે. આ રીતે જનતાને ઘર બેઠાં પુસ્તકાલય સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.


શેરી પુસ્તકાલય(Community Library)

બાળકો દ્વારા, બાળકો અને સૌને માટેના પુસ્તકાલયો.વાચન પ્રવૃત્તિને વેગ આપવા અને તે પણ ખાસ કરી ને પુસ્તકો બાળકોને સરળતાથી મળી રહે તે માટે સંસ્થાએ નવસારીમાં ૧૦૦ શેરી પુસ્તકાલય શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે. નવસારીની જુદી જુદી શેરીઓમાં આવાં પુસ્તકાલયો શરૂ થશે. જે બાળકો દ્વારા જ ચલાવવામાં આવશે. આવાં ૧૧ શેરી પુસ્તકાલયો સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વ સંધ્યાએ (તા. ૨૪/૧૨/૨૦૦૬) એક સાથે નવસારીમાં શરૂ કરવામાં આવ્યા છે. સંસ્યાનું સ્વપ્ન છે કે નવસારી વિશ્રનું સૌથી પહેલું એવું શહેર બને કે, જેનાં દરેક બાળકો પુસ્તકાલયના સભ્ય હોય.

શેરી પુસ્તકાલયમાં! નીચેની પ્રવુત્તિઓ થશે

૧. મને ગમતું પુસ્તક વાર્તાલાપ.

ર. ધો. ૧થી ૪નાં બાળકો દ્વારા વાર્તા.

૩, શિશમંદિરના બાળકોદ્રારા બાળગીતો.

૪. બહેનોની લોકગીતોની/ ગુજરાતી ગીતોની/લગ્નગીતોની હાલરડાંની હરીફાઈ.

૫. ક્વીઝ હરીફાઈ / પુસ્તક ક્વીઝ.

૬. વિચારગોષ્ઠિ.

૭. મોક પાર્લમેન્ટ.

૮. તેઓ મહાપુરુષો કેમ બન્યા?

૯. બૌદ્ધિક રમતોની હરીફાઈ.

૧૦. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો.

૧૧, વિચાર-વાચન શિબિર.

૧૨. પરીક્ષામાં સફળતા શિબિર.

૧૩, કાર્યવાહક સમિતિના સભ્યોની શિબિર.

૧૪. બાળકો માટે ગીતગાન સ્પર્ધા (ગુજરાતી ગીતો).

શેરી પુસ્તકાલયની પ્રવૃત્તિને સફળ બનાવવા અરવિંદભાઈ શાહ, ગિરીશભાઈ દેસાઈ તેમ જ નિરીક્ષાબહેન દેસાઈની ત્રિપુટીની નિષ્કામ સેવા અને મહેનત દાદ માંગે એવી છે.


વ્યાખ્યાન માળા શ્રેણી:

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિભા ધરાવતા વિવિધ વિષયોનાં નિષ્ણાંતો અને તજજ્ઞોનાં જુદા જુદા વિષયો પર વર્ષમાં ઓછાંમાં ઓછાં ત્રણથી ચાર વ્યાખ્યાનો યોજાય એ માટે કાયમી વ્યાખ્યાન માળાનું આયોજન વિચારાયું છે. અને એ માટે જુદી જુદી પ્રતિભાવંત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવશે અને વ્યાખ્યાનો યોજાશે.


પુસ્તકાલય પ્રવૃત્તિ વિસ્તાર અને પ્રશિક્ષણ:

પુસ્તકાલય પ્રવૃત્તિ અને વાચન અભિરૂચિ વિકસે એ માટે જરૂરી ચર્ચાસભા, સેમિનાર, કાર્યશાળા, ટૂંકાગાળાના અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવશે.


સંગીત લાયબ્રેરી:

સંગીતની વિવિધ ઓડિયો-વીડીયો કેસેટો ઉપલબ્ધ કરાવવામાં આવશે.


સંદર્ભ વિભાગ:

માહિતી વિસ્ફોટના આ યુગમાં યોગ્ય માહિતીને યોગ્ય વાચક સુધી પહોંચાડતા સંદર્ભ ગ્રંથો જેવા કે વિશ્વકોષ, શબ્દકોષ, જ્ઞાનકોષ, એનસાઇક્લોપિડિયા વગેરે આ વિભાગમાં રાખવામાં આવશે. આ ઉપરાંત આ પુસ્તકાલયનાં જુના અપ્રાપ્ય અને માહિતીને દ્રષ્ટિએ મૂલ્યવાન પુસ્તકો, ફોટોગ્રાફસ વગેરે અલગ રાખવામાં આવશે.


થીસિસ વિભાગ:

આ વિભાગમાં મહાવિદ્યાલય દ્વારા અથવા અન્ય સંસ્થા દ્વારા માન્ય કરેલ જુદા જુદા વિષયોનાં તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ થીસિસનો સંગ્રહ કરવામાં આવશે. આ વિભાગ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, જે તે વિષયની વિશેષ માહિતી મેળવી શકશે અને આ રીતે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે.


રાષ્ટ્રીય પુસ્તક લોન સેવા:

આ પુસ્તકાલયને ભારતનાં કેટલાક શ્રેષ્ઠ પુસ્તકાલયો સાથે સાંકળવામાં આવશે અને આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ ન હોય એવાં પુસ્તકો આવા પુસ્તકાલયમાંથી મેળવી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.


માહિતી બેંક સેવા:

આ સેવા હેઠળ જોડાનાર વ્યક્તિ વ્યાજબી કિંમતે પોતાના મનપસંદ વિષયો અંગેની જુદા જુદા સામયિકોમાં પ્રસિધ્ધ થયેલી માહિતીની નકલ ઘર બેઠાં મેળવી શકશે.