એક જાહેર સંસ્થા જ્યારે સો વર્ષના સુદીર્ઘ અસ્તિત્વની યાત્રા પૂરી કરે અને એના હોવાપણાની સાર્થકતા જણાય, ત્યારે સમાજ તે સંસ્થાનો ઋણી બને છે.’

એકસો અગિયાર વર્ષોથી નવસારી અને સમગ્ર પંથકનાં હજારો વ્યક્તિઓને જ્ઞાન અને પ્રેરણાનાં પિયૂષ પાનાર શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય એ ફક્ત પુસ્તકાલય નથી રહ્યું પણ એની બહુવિધ પ્રવૃત્તિઓને કારણે એ સાચા અર્થમાં જ્ઞાનધામ બન્યું છે.

ટી.વી., કેબલ, વિડિયો, ઇન્ટરનેટનાં આ યુગમાં જ્ઞાન માહિતિ અને મનોરંજન મેળવવાનો પ્રાથમિક અને પહેલી પસંદગીનો દરજ્જો પુસ્તકોએ ગુમાવ્યો છે. ત્યારે દરેક નગરવાસીને પુસ્તકાભિમુખ કરવાના પ્રયત્નો રૂપે ‘સયાજી વૈભવ પુસ્તકાલયે’ અભિનવ પ્રવૃત્તિઓ શરૂ કરી પુસ્તકાલયને જીવંત ધબકતું વાચનાલય અને જ્ઞાનધામ બનાવ્યું છે.

આ પુસ્તકાલયની, પુસ્તકાલય ઇતર શિરમોર પ્રવૃત્તિ એટલે ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપ શ્રેણી. સાતત્ય, સમયપાલન અને સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે આ વાર્તાલાપ શ્રેણીએ ગરિમા પ્રાપ્ત કરી છે. વડિલો અને બાળકો માટે છેલ્લા ૧૫ વર્ષોથી નિરંતર ચાલતી આ પ્રવૃત્તિનો વ્યાપ વધારવા વર્ષ ૨૦૦૩થી યુવકો અને મહિલાઓ માટે પણ આ વાર્તાલાપ શરૂ કરવામાં આવ્યા છે.

સાહિત્ય, કળા, સંગીત, સંસ્કાર અને જ્ઞાન માટે નવલી નવસારી નગરી જાણીતી છે. આવી સંસ્કાર વૈભવી નવસારી નગરીનું એક અનોખુ આભૂષણ એટલે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠ પુસ્તકાલોમાં થાય છે. આ પુસ્તકાલયને ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રો પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે સને ૧૯૮૩-૮૪, ૧૯૯૩-૯૪, ૨૦૦૧-૦૨, ૨૦૦૬-૦૭ અને ૨૦૦૭-૦૮ એમ કુલ પાંચ વાર માટે મળેલ છે જે આ પુસ્તકાલય માટે ગૌરવપ્રદ બાબત છે.

વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના ઇ.સ. ૧૮૯૮માં થઇ હતી. તે પહેલાં ૧૮૭૮માં ‘સાર્વજનિક રીડિંગ રૂમ’ નામનું નાનકડું પુસ્તકાલય શરૂ થયું હતું. ૧૮૯૮માં આ બંનેને જોડીને લક્ષ્મણ હોલમાં સંયુક્ત રીતે ‘શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય’ શરૂ થયું. ૧૯૦૭માં શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ખર્ચમાંથી બચેલ રકમને તત્કાલિન સુબા રાવ બહાદૂર ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તકાલય બાંધવા માટે ફાળવી હતી.ગોકળદાસ નરસિંહદાસ પારેખ, ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ મોદીના વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યા પર ૧૯૧૦માં રૂા ૮૧૦૦/-ના ખર્ચે પુસ્તકાલય બાંધવામાં આવ્યું. ૧૯૧૧માં આ પુસ્તકાલય વાચકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વર્ષો પહેલાં આ લાયબ્રેરીની એક શાખા બંદર રોડ (રાયચંદ રોડ) પર આવેલી એક શાળામાં પણ ચાલતી હતી.

ઈ.સ. ૧૯૧૦માં જુનું મકાન બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાનાં ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે એક નવા હોલનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

૧૯૭૩માં ૩૧૦૦ ચોરસફૂટનું બાંધકામ સંસ્થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું. પુસ્તકાલયનો ઉત્તર-પૂર્વ તરફનો એક ભાગ ૨૦૦૧ના ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદના વરદ હસ્તે નવા મકાનનું ઉદ્દ્ઘાટન થયું (૨૦/૦૫/૨૦૦૭).