ગ્રંથતીર્થ નવસારીની, સંસ્કાર ઘડતરની યુનિવર્સિટી શ્રી સયાજી વૈભવ લાઈબ્રેરી પોતાના અભિનવ પ્રયોગો, નિરંતર પ્રવૃત્તિઓ તથા બાળક અને પુસ્તકોને કેન્દ્રમાં રાખીને સમાજ ઘડતરના કાર્યો વર્ષોથી કરે છે. પાયાનું નક્કર કામ થાય અને બાળકોનું જીવન મૂલ્ય આધારિત ચારિત્ર્ય ઘડતર થાય, એ હેતુથી વિષય આધારિત પ્રોજેક્ટસ આપીને બાળકોનું સંવર્ધન થાય, સાથે ઉત્તમતા, શ્રેષ્ઠતા અને સુંદરતાની ક્રમિક ઊંચાઈ પ્રાપ્ત થાય એ માટે પરામર્શકો મહાદેવભાઈ દેસાઈ, જયપ્રકાશભાઈ મહેતા અને સમગ્ર લાઈબ્રેરી ટીમે અથાક પરિશ્રમ શરૂ કર્યા હતા. મૂળ હેતુ સાથે દર થોડા સમયે પુસ્તકાલય વિવિધ પ્રકલ્પો લઈને બાળકો સમક્ષ મૂકે છે.


શ્રેષ્ઠ વાચક સ્પર્ધા -વર્ષ ૨૦૦૨

૨૦૦૨ના પડકારોમાં ટી.વી. એક પ્રમુખ કારણ હતું. આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષની ઉજવણી બાળકોને પુસ્તકાભિમુખ બનાવીને સ્મરણીય બનાવવાના હેતુથી એક અભિનવ પ્રકલ્પનું આયોજન થયું હતું- એ પ્રકલ્પનું નામ હતું. શ્રેષ્ઠ વાચક સ્પર્ધા ૨૦૦૨

આ પ્રોજેક્ટ દરમિયાન નવસારીની ૨૫ જેટલી શાળાના ૧૦,૩૪૫ બાળકોએ ૩૫,૦૦૦ જેટલા પુસ્તકો વાંચ્યા હતા. વિચારમેળા, ગ્રંથયાત્રાઓના આયોજન થયાં. ગીતો-કાવ્યો રચાયા. સમયને અનુસરીને “અમને પેપ્સી નહીં, પુસ્તક આપો”, “અમે વાંચીશું, અમારા મમ્મી પપ્પાને વંચાવીશું’’ જેવા સૂત્રોએ બાળકોમાં વાચનના બીજ રોપ્યાં. આ પ્રોજેક્ટની ઉપલબ્ધિમાં બાળકોએ હજારો પુસ્તકો વાંચીને ઈતિહાસ રચ્યો. એમનામાં વાચનના બીજ રોપાયા અને એ ટેવ વૃદ્ધિંગત બની.


સ્વ-નવસર્જન પ્રોજેક્ટ-વર્ષ ૨૦૦૩

દરેક બાળક તથા વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રયત્ન કરતી હોય છે. દરેકની સફળતાની વ્યાખ્યા અલગ હોઈ શકે, પરંતુ અંતિમ ધ્યેય તો સંતોષ અને આનંદ જ હોય છે. એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા, સિદ્ધાંતો, મનની શક્તિઓને જાણીને સ્વનું નવસર્જન કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. શ્રી દોલતભાઈ દેસાઈની દીર્ઘદ્રષ્ટિ, શ્રી દેવેન્દ્રભાઈ નાયકના સહકારથી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અર્ધજાગ્રત મન-Subconscious Mind ની શક્તિનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, બાળકો Visualise કરતાં થાય એવાં ઉદેશ્યો સાથે ડૉ. જીતેન્દ્ર અઢિયાના પુસ્તક ‘પ્રેરણાનું ઝરણું’ પર નવસારી, બીલીમોરાની શાળાઓમાં જઈ ડેમોન્સ્ટ્રેશન સાથેના વક્તવ્યો લાઈબ્રેરીના માધ્યમથી થયાં, બાળકો માટે એ ખૂબ ઉપયોગી સિદ્ધ થયાં.

જો દસ વર્ષનું આયોજન કરતા હો તો વૃક્ષો ઉગાડો, એકસો વર્ષનું આયોજન કરતા હો તો યુવાનો ઉગાડો, આ ઉક્તિને સાર્થક કરવા માટે સ્વયંપ્રેરણાથી હકારાત્મક અભિગમોની આ ચળવળને ખૂબ સારો આવકાર અને સફળતા મળ્યા.


રોલ મોડેલ કેન્દ્રિત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા – વર્ષ ૨૦૦૫

ભારતભરમાં સર્વપ્રથમ એવા આ અભિયાનમાં વિદ્યાર્થીઓ જીવનમાં ધ્યેય નક્કી કરે, પોતાના રોલ મોડેલ નક્કી કરે એવી પ્રેરણા આ પ્રકલ્પ થકી આપવામાં આવી હતી. “જે પુસ્તકનો મિત્ર એ જ મારો મિત્ર’ આ નવું સૂત્ર સંસ્થામાં ઉમેરાયું. નવસારીની ૪૭ શાળાઓના ૧૮,૩૫૪ થી વધુ વિદ્યાર્થીઓએ ૧,૬૭,૬૮૧ થી વધારે પુસ્તકો વાંચ્યાં. ૧૫,૦૦૦ ઘરોમાં રોલ મોડેલ્સની ચર્ચા ઊભી થઈ. નિબંધ, ચિત્રકામ, સુવિચાર અને જીવનકાર્ય નોંધ જેવી સ્પર્ધાઓનું આયોજન થયું. આ પ્રકલ્પ આધારિત જીવનના ધ્યેયની અને રોલ મોડેલની પસંદગી માટે ૩૨૦ પાનાનું “ચાલો જીવન બદલીએ” પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એક લાઈબ્રેરી થકી વાચન-પ્રેરણા માટે અદ્ભુત રીતે જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું એને બિરદાવતા શ્રી નરેન્દ્રભાઈએ નવસારીને “પુસ્તકપ્રેમી” નું બિરૂદ આપ્યું હતું. આ પ્રોજેક્ટની ઉપલબ્ધિમાં બાળકોએ હજારો પુસ્તકો વાંચીને ઈતિહાસ રચ્યો. એમનામાં વાચનના બીજ રોપાયા અને એ ટેવ વૃદ્ધિગત બની.


પુસ્તક-અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ વર્ષ ૨૦૦૭

પુસ્તક અધ્યયન દ્વારા વિચાર આંદોલન, વિચાર ક્રાંતિ સર્જવાનો અભિનવ પ્રયોગ.

ધ્યેયલક્ષી વાચનથી એક ડગલું આગળ વધી વિચાર આંદોલનો જગાવતા અને વિચારક્રાંતિ સર્જે એવા પુસ્તકોના અધ્યયન તરફ કૂચ કરી ૨૩ એપ્રિલ ૨૦૦૭ ના વિશ્વપુસ્તક દિવસે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. ૩૫ શાળાના ૮૦૦ ગ્રુપ રજિસ્ટર થયા અને ૧૩,૦૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો. ૧૫૦ દિવસોમાં ૨૫૦૦ જેટલા પુસ્તકો વિશેના વાર્તાલાપો શેરીઓ, સોસાયટી, એપાર્ટમેન્ટ, ગણેશ મંડળોમાં થયા. આ સ્પર્ધાનું વિશિષ્ટ રીતે સાફલ્ય સમારોહથી સમાપન કરવામાં આવ્યું હતું.

બે દિવસ ચાલેલા આ સમારોહમાં શ્રી નારાયણભાઈ દેસાઈ સહિત ૧૦ જેટલા સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા અને પુસ્તકો વિશેની અભિવ્યક્તિને માણી, પ્રમાણી હતી. આ પ્રોજેક્ટની લાંબા સમય પછી પણ બાળકો પર ઊંડાણપૂર્વક અસર રહી છે જેનાથી એમના જીવનનું ઊર્વારોહણ થયું છે.


વાંચે ગુજરાત – વર્ષ ૨૦૧૦

ગુજરાતના સુવર્ણજયંતી વર્ષે ‘વાંચે ગુજરાત’ નામનું એક મહાઅભિયાન યોજાયું. આ અભિયાનમાં આખેઆખું ગુજરાત જોડાયું. એણે એક અદ્ભુત વૈચારિક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. એથી ગુજરાતભરમાં ઉત્સાહની ભરતી આવી. વાચનપર્વ વેગવાન બન્યું. ગુજરાતના દીર્ઘદષ્ટા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાનને ‘સ્વર્ણિમ ગુજરાત’ નો શિરમોર કાર્યક્રમ ગણાવ્યો.

વિશ્વમાં ભાગ્યે જ બનતી એવી અભૂતપૂર્વ આ ઘટના બની. કોઈ પ્રશાસક ‘વાચન’ ને આટલું બધું મહત્વ આપે એ વાત જ કલ્પનાતીત હતી. હા, ગુજરાતના ઈતિહાસનું જ એક સોનેરી પાનું આજે પણ આપણા સ્મૃતિપટ પર અંકિત છે. ૧૧મી સદીમાં જૈનમુનિ પૂ.શ્રી હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ની રચના કરી. વર્તમાન ગુજરાતી ભાષાના પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્યજીના આ ગ્રંથનું ગૌરવ ગુજરાત (પાટણ) ના તત્કાલીન શાસક સિધ્ધરાજ જયસિંહે અદ્ભુત રીતે કર્યું. હાથી પર અંબાડીમાં ગ્રંથની પ્રતિષ્ઠા કરી એની ‘ગ્રંથયાત્રા’ કાઢી ને એમાં રાજા પગપાળા ચાલ્યા.

આપણા આદરણીય મુખ્યમંત્રીએ ઈતિહાસનું ગરિમામય પુનરાવર્તન કર્યું- ‘વાંચે ગુજરાત’ અભિયાનથી.

આવા અભૂતપૂર્વ અને ઐતિહાસિક અભિયાનમાં સુંદર કાર્યક્રમો થયા. વાચનની અભિરૂચિ કેળવવા માટે અને જ્ઞાનાત્મક વિકાસની નવી ક્ષિતિજોને સ્પર્શવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો થનગનાટ જોવા મળ્યો.

સયાજી લાઈબ્રેરીમાંથી જન્મ લઈને, આખા રાજ્યમાં ચેતના ફેલાવતું અને સમગ્ર ગુજરાતની પ્રજાને વાચનનું ઘેલું લગાડવાની એક અનોખી કોશિશ એટલે “વાંચે ગુજરાત’”. વિવિધ પ્રકલ્પો દ્વારા બાળકોથી વૃદ્ધો સુધી સર્વેને વાચનાભિમુખ કરવા માટેનું સુવર્ણ અભિયા- એટલે ‘વાંચે ગુજરાત.”

રાજ્ય સ્તરીય વાંચે ગુજરાતની મુખ્ય સહયોગી સંસ્થા તરીકે સંસ્થાએ એને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કહેતા કે ગુજરાતના સુવર્ણ મહોત્સવમાં આયોજિત અનેક કાર્યક્રમોમાંથી વાંચે ગુજરાત કાર્યક્રમ મારા દિલથી નજીક હતો. આ એક અભિયાન થકી જ્ઞાતિ, ધર્મ, ઉંમર, જાતિની વિભિન્નતા વગર વાચન એક ટેવ બની. એ માટે સમાજના સર્વ ઘટકોમાં પ્રયત્નો કરવામાં આવ્યા અને સફળ પણ બન્યો. લાઈબ્રેરી માટે ગૌરવની વાત એ હતી કે આ લાઈબ્રેરીમાંથી ઉઠેલું તરંગ રાજ્યભરમાં ફેલાયું અને મુખ્યમંત્રી જેના અધ્યક્ષ હતા એ રાજ્ય સમિતિમાં મહાદેવભાઈ દેસાઈ મંત્રી અને જયપ્રકાશ મહેતા સહમંત્રી રહ્યા.


વિચાર મંથન – વર્ષ ૨૦૧૦

સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે અને એક સ્વસ્થ તંદુરસ્ત લોકમતનું નિર્માણ થાય. આ હેતુ સાથે વિચારમંથનની શરૂઆત કરવામાં આવી.

પુસ્તક સેતુ – વર્ષ ૨૦૧૨ નવોદિત બાળવાચકોમાં વાચનના બીજ રોપવા અને ઘરે ઘરે પુસ્તકાલય શરૂ કરવા માટે બહુપાઠી વાચકો શહેરના સફળ મહાનુભાવો સાથે એમનો હેતુસભર સંવાદ થતો રહે એ હેતુથી પુસ્તક સેતુ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી.

સાત વિદ્યાર્થીઓનું એક એ રીતે ૧૫ જૂથે ૧૫ મહાનુભાવો સાથે વાચનનું મહત્ત્વ, પુસ્તકોની અગત્ય, જીવનલક્ષી પ્રશ્નો વિષયે માર્ગદર્શન મેળવ્યું હતું. જીવનમાં યશ પ્રાપ્તિ કરનાર વ્યક્તિના ઘડતરના પાયામાં ‘વાચન’ હોય છે. એ ખૂબ મોટો સંદેશ એમને મળ્યો. આ વ્યક્તિઓ નિખાલસતાથી બાળકો સાથે ભળીને ચર્ચા કરતા હતા. હેતુસર એમાં માર્ગદર્શન આપવાનું નહોતું, પણ જીવનરૂપી સાર, વર્તન અને ચર્ચામાંથી બાળકો સમક્ષ મૂકવાનો હતો. ફક્ત બાળકો જ મહાનુભાવોને નહીં પણ મહાનુભાવો પણ બાળકોને વર્ષો પછી આ પ્રોજેક્ટ થકી યાદ કરે છે.


મહાભારતની મહાસ્પર્ધા (Mahabharat Olympiad) – વર્ષ ૨૦૧૫

નવી પેઢીને મહાગ્રંથો દ્વારા આપણી સંસ્કૃતિનો પરિચય થાય, સંસ્કારોનું સંવર્ધન થાય અને વાચન સંસ્કારના બીજ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ પ્રતિભાની શોધ, ઓળખ અને સંવર્ધન થાય એ હેતુથી આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૬૭,૪૧૭ સ્પર્ધકોએ – વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૬૮ જેટલી વિશિષ્ટ વિચાર વાચન શિબિરોમાંથી ૫,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈને વાચન પ્રેરણા મેળવી. ૩ લાખથી વધુ કિંમતના પુસ્તકરૂપી ઈનામો બાળકોએ પોતાની પ્રતિભાથી મેળવ્યા. ૨૦,૦૦૦ થી વધુ ઘરોમાં મહાભારતની વાતો/ચર્ચાઓ થઈ. મહાભારત વિષય અનુરૂપ ગ્રંથયાત્રા નીકળી. મ.ગ.પુ. વાર્તાલાપ થયા. ઘરે ઘરે મહાભારત વાંચવાની પ્રથા ફરી જીવિત થઈ અને માનવીમાં સ્વભાવ, મૂલ્યો, સંસ્કાર વાચન થકી જાગૃત થયા. આપણા સાંસ્કૃતિક સાહિત્ય વારસાને ફરી બધાએ યાદ કર્યા.


હોલ ઓફ ફેમ (Biographies on Posters) – ૨૦૧૭

આ પ્રદર્શનમાં ૨૬ શાળાના ૭૮૩ બાળકો દ્વારા ૫૩ વ્યક્તિઓના સચિત્ર પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિશ્વવિખ્યાત વિભૂતિઓ તથા પરિશ્રમથી જીવનના ધ્યેય પ્રાપ્ત કરીને નામના અને આત્મસંતોષ મેળવી શકાય એ સિદ્ધ કર્યું છે. ત્યારે એમના જીવનના સંઘર્ષ, કષ્ટ પણ એટલા જ મહત્ત્વના હતા. ધ્યેય પ્રાપ્તિ માટે એવા જીવન ચરિત્રો જાણવા, વિદ્યાર્થીઓ માટે શાલેય જીવનમાં જ ખૂબ ઉપયોગી નીવડે છે. ચાણક્યની નીતિ, બુદ્ધનો કરુણા સંદેશ, ધીરૂભાઈ અંબાણીની દૂરદૃષ્ટિ, સ્વાતંત્ર્યવીરોનો ત્યાગ, વિજ્ઞાનીઓનો અમૂલ્ય ફાળો, સતોની શીખામણ, કલાકારોનું કલા પ્રત્યેનું યોગદાન, રાજકીય નેતાઓનો પુરુષાર્થ એવા કેટલાય મુદાઓ પ્રદર્શનમાંથી જાણ્યા, સમજ્યા અને ધ્યેય નકકી કરવા માટે ગુણો આત્મસાત કરવાના વિચાર બીજ એમનામાં આ પ્રોજેક્ટ થકી સિંચાતા ગયા.

આ પ્રદર્શનો લાઈબ્રેરીમાંથી મેળવી કોઈપણ શાળા વિદ્યાર્થીઓને બતાવી શકે છે.


મહાત્માનું માહાત્મ્ય – વર્ષ ૨૦૧૯

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવનાર, પર્યાવરણનું સંવર્ધન કરનાર, નીતિમય, ત્યાગમય, ધ્યેયલક્ષી, પ્રેરણાદાયી ગાંધીજીનું જીવન, બાળક પોતાના ચારિત્ર્ય ઘડતર માટે યથાશક્તિ સમજે એ આ અભિયાનનો મૂળ હેતુ હતો.

નવસારી જીલ્લાની ૭૧ શાળાના ૨૨,૬૧૬ જેટલા વિદ્યાર્થીઓએ ૫૮,૩૬૨ થી વધુ પુસ્તકોનું વાચન કરીને ૧૧ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એક વિદ્યાર્થી અનેક સ્પર્ધામાં ભાગ લે એ ગણતરી પ્રમાણે કુલ ૧,૧૨,૨૮૩ સ્પર્ધકો હતા, જેમાંથી ૧,૩૪૩ વિજેતા બન્યા. ભાગ લેનાર શાળાઓને રૂા. ૧,૬૨,૩૬૫ ના પુસ્તકો આપીને અભિયાનની શરૂઆત થઈ.

આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ત્રણ કાર્યક્રમો સંપન્ન થયા.

(૧) ગાંધીને જાણોઃ ગાંધી અનુસાર કરો અભિયાન અંતર્ગત ૪ અભિયાન.

(૨) મહાત્માની મહાસ્પર્ધાઓ

(૩) ગાંધી વિચારમેળાઓ.

આ પ્રોજેક્ટ વિશેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને એમને વાંચવાની પ્રેરણા મળે એ ઉદેશ્યથી ૨૨ સંચાલકોએ ૧૪૪ વિચાર વાચન શિબિર લઈને ૧૦,૦૦૦ બાળકોને પ્રેરિત કર્યા હતા. ૧૨ ગાર્ડિયનની ટીમ સ્કૂલના ડેટા અપડેટ્સ માટે કાર્યરત હતી. ૩૫ જેટલા વિદ્વતજન પ્રવચનો સાંભળીને વિદ્યાર્થીઓ ગાંધીજીની નજીક ગયા. અક્ષર સુધારણા અભિયાનના ફાયદાથી શિક્ષકો ખુશ થતાં ગયા. સાત્વિક આહારની સારી અસર આરોગ્ય પર દેખાવા માંડી. ગાંધીગીરી અભિયાનમાં સ્વચ્છતા વિષયે વિદ્યાર્થી સ્વજાગૃત થઈને સમાજમાં પણ જાગૃતતા લાવી શક્યા. સંકલ્પસિદ્ધિ અભિયાન અંતર્ગત દરરોજ લખાતી રોજનીશી આત્મખોજ અને આત્મનિરીક્ષણનું માધ્યમ બની.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા પ્રોત્સાહિત ગાંધીજીના જીવન પર આધારિ. “ભારત ભાગ્ય વિધાતા” નાટકના ૨ હાઉસફૂલ શોઝ લાઈબ્રેરીએ આયોજીત કર્યા હતા. નિરંતર ચાલતી મ ગ.પુ.વાર્તાલાપ શ્રેણીમાં ગાંધીજીના ૧૯ પુસ્તકો વિષયે ચર્ચા થઈ.

આઈ.આઈ.ટી. મુંબઈના “ગાંધી ગ્લોબલ સૌલર યાત્રા” અંતર્ગત ૨૪ શાળાના ૮૨ ટ્રેનર્સ ૧૬ કલાકની ટ્રેનિંગ લઈને ૨૦૫૦ સોલાર લેમ્પસ વિદ્યાર્થી Ambassader પાસેથી બનાવીને પર્યાવરણ તથા પૃથ્વીને બચાવવાની દિશામાં પ્રયત્ન અને પ્રયાસ શરૂ કર્યા.

“ગુગલ સાથે એક કલાક” અભિયાનથી Internet નો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો, એ બાળકો જાણી શક્યા. વિદ્યાર્થીઓએ “ગાંધીજીના અક્ષરદેહનું” વાચન પણ કર્યું. વિવિધ સ્પર્ધાઓ થકી એમનામાંની પ્રતિભાઓ બહાર આવી.

ગાંધીજી કામ બતાવીને અને શરૂ કરાવીને ગયા. આપણે આપણા વિચારોમાં અને મહેનતમાં એમને જીવંત રાખીને રાષ્ટ્રનિર્માણનું કામ કરવાનું છે, એ અમૂલ્ય સંદેશ ભાવિ નાગરિકો સુધી પહોંચ્યો, એ જ આ પ્રોજેક્ટની ફળશ્રુતિ હતી.

“આઝાદીનો અમૃતોત્સવ અને ઝવેરચંદ મેઘાણી સવાસોમી જયંતી : પ્રેરક પાવક સ્મરણોત્સવ” – વર્ષ (૨૦૨૧-૨૨) ભારતને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્યવીરો અને વીરાંગનાઓ વિશે ભાવિ પેઢી જાણે, એમનો ત્યાગ, બલિદાનનું મૂલ્ય પુસ્તકો વાંચીને સમજે એ હેતુથી આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામનાર ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને જીવન વિશે ભાવિ પેઢી અજાણ ન રહે આ હેતુ પણ પ્રોજેક્ટમાં જોડાયો.

૩૫ શાળાના ૧૧,૬૩૭ વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં સહભાગી થયા હતા અને એક વિદ્યાર્થી અનેક સ્પર્ધામાં ભાગ લે એ ગણતરી પ્રમાણે ૧૮,૬૪૪ સ્પર્ધકો હતા. જેમાંથી ૪૫૦ વિદ્યાર્થીઓ ફાઈનલ રાઉન્ડમાં આવ્યા અને કુલ ૧૮૩ વિદ્યાર્થીઓ અને એની ટીમ વિજેતા બની હતી. મેઘાણી તથા સ્વાતંત્ર્યવીરોના ૧૧૧ પોસ્ટર્સ પ્રદર્શન શાળાઓમાં થયા. સ્મરણ સતત અંતર્ગત આ વિષયના ગીતો, કાવ્યો કહેવાતા રહ્યા. મ.ગ.પુ. વાર્તાલાપ અંતર્ગત શિક્ષકો દ્વારા ૨૦૬ અને વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૫૦ વાર્તાલાપ આપવામાં આવ્યા હતા. ભૂલાઈ ગયેલી પ્રવૃત્તિ-ભાવવાહી પઠન, નિબંધ, વકતૃત્વ, ગીતગાન સ્પર્ધાઓ દ્વારા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભા બહાર આવી.

વિનોબા ભાવે કહેતા કે, જે વાંચતો નથી તે કોઈપણ હોઈ શકે પણ શિક્ષક તો નહીં જ હોય. “શિક્ષક વંદના” પ્રોજેક્ટ હેઠળ ૫૬ શિક્ષકોએ ઉપરોક્ત વિષય પર વાંચેલ પુસ્તકોમાંથી ૫ પુસ્તકો વિશે સંક્ષિપ્તમાં રજૂઆત કરવાની હતી. શ્રેષ્ઠ રજૂઆત કરનાર શિક્ષકમિત્રોને કુલ રૂા. ૧૫,૦૦૦ ના પુસ્તકરૂપી પુરસ્કાર આપવામાં આવ્યા.

આ વિષયને અનુરૂપ ક્વિઝ, ગેમ્સ, અંતાક્ષરી રમાડવામાં આવી, ચિત્ર, રંગોળી, ગરબા, લગ્નગીતો ગવાયા, નાટકો લખાયા, સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘર અને પરિવારની મુલાકાતો કરાવવામાં આવી. ઇંગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ “ચારણકન્યા’’ અર્થ સમજીને ગાતા થયા. આ પ્રોજેક્ટ થકી શાળાઓએ વિદ્યાર્થીઓના જીવનમાં Value Addition નું કાર્ય કરાવ્યું. બાળકોમાં વાચનની ભૂખ ઉઘડી. ભારતના સાચા ઈતિહાસની સાચી સમજ એમણે મેળવી.


૨૦૦૨ થી શરૂ થયેલ ઉપરોક્ત સર્વ પ્રોજેક્ટ અંતર્ગત, સમગ્ર વર્ષ દરમ્યાન કામગીરી કરનાર શાળાઓને ‘’આચાર્ય સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર” પ્રદાન કરવામાં આવે છે. ટ્રોફી, સર્ટિફિકેટ, પુસ્તકરૂપી પુરસ્કાર તથા ચેક આપવામાં આવે છે. વિજેતા વિદ્યાર્થીઓને પણ પુસ્તકો જ ઈનામમાં મળે છે. એ માટે પુસ્તક પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ભલે ૫૦૦ રૂપિયાના પુસ્તકો પોતાની, ઘરની લાઈબ્રેરીના ખરીદે, પરંતુ એ માટે બીજા હજારો પુસ્તકો જોઈ શકે, વિવિધ વિષયોના પુસ્તકોની દુનિયા નિહાળી શકે, એ આ પ્રદર્શન પાછળનો હેતુ હોય છે.