સયાજી લાઈબ્રેરી માત્ર ને માત્ર પુસ્તક આપ-લે કરતું કેન્દ્ર જ નથી. પરંતુ એની અનેકવિધ અભિનવ પ્રવૃત્તિઓ થકી સમાજને પુસ્તકાભિમુખ કરવાના સાતત્યસભર તથા અથાગ પ્રયત્નોને કારણે સામાજિક ચેતનાનું કેન્દ્ર પણ બન્યું છે. આપણા પુસ્તકાલયે સમયે – સમયે પુસ્તકોનું પ્રકાશન કર્યું, પુસ્તક-પ્રદર્શનોના ઉપયોગી આયોજનો કર્યાં અને વળી લાઈબ્રેરી-પરિવારના લેખક-સભ્યો તથા અન્ય લેખકોના પુસ્તકોના પણ સુંદર મજાના વિમોચનો કર્યાં. તો આવો, આપણે સહુ પ્રકાશનો, પ્રદર્શનો તથા વિમોચનોની એક ઝલક માણીએ.

અમારા પ્રકાશનો :

ચાલો જીવન બદલીએઃવિદ્યાર્થીઓને જીવનના ધ્યેય કંડારવા માટે, પોતાનો રોલ મોડેલ નક્કી કરવા માટે અને વાચન સંસ્કારના બીજ રોપવા માટેની પથદર્શિકા છે.

આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જુલાઈ- ૨૦૦૫માં પ્રગટ થઈ હતી. આ પુસ્તકનું સંપાદન કલ્યાણસિંહ ચંપાવત, જયપ્રકાશ મહેતા, જયંતિભાઈ નાયક, વિરલ પુરોહિત, હરીશ પઢિયાર તથા મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે.

પુસ્તકાલયનો ઈતિહાસ, ઝાંખી, માહિતીઓ, દાતાઓનો ટૂંકો પરિચય, મહાન વ્યક્તિઓની સાત વિલક્ષણતાઓ, સમયનું આયોજન કેમ કરશો? પુસ્તકોના પાનાઓ જિંદગી પલટાવી શકે છે, જેવા મનનીય લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ચાલો જીવન બદલીએ

ચાલો, ગુજરાતીનું ગૌરવ વધારીએઃ સાહિત્યમાં નિસબત, માતૃભાષાની મહત્તા અને તદ્ સંદર્ભે અન્ય વિષયો પર ચિંતકો, સર્જકો અને ભાવકોના લેખોનું સંકલન.

“ચાલો, ગુજરાતીનું ગૌરવ વધારીએ” પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૨૦૧૦માં પ્રગટ થઈ હતી. આ પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૫માં અધિવેશનનું સંભારણું છે. અંતે, એક અદકેરું, જીવંત પુસ્તકાલય લેખ અંતર્ગત સયાજી વૈભવ લાઈબ્રેરી વિશે જાણવા જેવી માહિતી રજૂ કરવામાં આવી છે.

ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ

  

Burning  Shine: એક આદર્શ આચાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા દરેકે વાંચવું જ રહ્યું.

Burning  Shine: (બર્નીંગ આઈ શાઈન) જલવું જીવન ને જ્યોતિ બનું હું એ એક સ્મૃતિગ્રંથ છે. જે અંતર્ગત આચાર્ય શ્રી સોરાબજી વાડિયા સાહેબ વિશેની વિવિધ સ્મૃતિઓનું સુંદર રીતે સંપાદન થયું છે. આ ગ્રંથના પ્રકાશક શ્રી સોરાબજી વાડિયા સન્માન સમિતિ C/o. શ્રી સયાજી વૈભવ લાઈબ્રેરી છે. જેની પ્રથમ આવૃત્તિ જુલાઈ- ૧૯૯૯માં પ્રગટ થઈ હતી.

Burning I Shine

જ્ઞાનપીઠ વૈભવી : જ્ઞાનપીઠ વૈભવી એટલે સવા શતાબ્દીની યાત્રાના સંભારણા .

જ્ઞાનપીઠ વૈભવી :

સવા શતાબ્દી પર્વે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયની મંગલમય યાત્રાની સાક્ષી બની રહે એવો દસ્તાવેજ એટલે જ્ઞાનપીઠ વૈભવી. આ પુસ્તકમાં પુસ્તકાલયની વર્ણથંભી યાત્રામાં સહભાગી મૂર્ધન્ય સાહિત્યકારો, સર્જકો, વિવિધ ક્ષેત્રના વિદ્વતજનો, સારસ્વતો, વાચકો, કર્મચારીઓ, સ્વૈચ્છિક કર્મીઓ, સંચાલકો, વર્તમાન તેમજ પૂર્વ કારોબારી સભ્યો, માર્ગદર્શકોના સ્મરણો,લાગણીઓ અને સ્નેહભાવને શબ્દસ્થ કર્યા છે.
સ્વ. મહાદેવભાઈને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ એમની પ્રેરણા અને વિવિધ પ્રકલ્પોને આકાર આપી પુસ્તકાલય માટેની તેમની નિષ્ઠા અને સમર્પણને પુસ્તકાલયની યાત્રા સાથે સાંકળી શબ્દસ્થ કરી આ પુસ્તકને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.

 

 

સ્વ-નવસર્જન પ્રોજેક્ટઃ હકારાત્મક અભિગમોની ચળવળ

પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવેમ્બર, ૨૦૦૩માં પ્રગટ થઈ હતી. મોટીવેશન પ્રોજેક્ટ માટે ખાસ લખાયેલ ઈનપૂટ મોડેલ જે નવસારીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ માટે તૈયાર કરી દેવરેખાએ છપાવી હતી.

 ૧૧૨ પૃષ્ઠ સંખ્યા ધરાવતા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિની કુલ ૨૫૦૦ નકલો પ્રગટ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના સંવાહક શ્રી મહાદેવભાઈ દેસાઈ અને સ્પોન્સર શ્રી દેવેન્દ્રભાઈ નાયક હતા. આ કોર્સના લેખક અને રજૂકર્તા ડો. દોલતભાઈ દેસાઈ (દાદાજી) હતા.

 

સ્વ નવસર્જન

 


પુસ્તક-વિમોચનો

(૧)પુસ્તક: શિક્ષણ ચેતના

 લેખકઃ શ્રી હર્ષદભાઈ શાહ

“પુસ્તકને પાંખ આપવાનો કાર્યક્રમ” તા.૦૫-૧૨-૨૦૦૯, શનિવારે સાંજે ૬:૦૦ કલાકે સયાજી લાઈબ્રેરીમાં સર્જક, શિક્ષણવિદ્ શ્રી હર્ષદભાઈ શાહના શિક્ષણ વિષયક લેખોના સંગ્રહનું પુસ્તક ‘શિક્ષણ-ચેતના’ નું વિમોચન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. શ્રી બી. એ. પ્રજાપતિ અને સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. કે. આર. ઝાઝરુકિયાની નિશ્રામાં યોજાયો હતો. આ પ્રંસગે નવસારી વિભાગના સાંસદ-સભ્ય શ્રી સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સર્વાંગી વિકાસ માટેના શિક્ષણની ચિંતાઅને ચિંતન વિષયક પુસ્તકના વિમોચનમાં નવસારી તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શિક્ષણ અને પુસ્તકપ્રેમી શ્રોતાઓએ હાજરી નોંધાવી હતી.

(૨)પુસ્તકઃ શિક્ષણ અને ચિત્રકલા લેખકઃ રવિન્દ્રનાથ ટાગોર

 તા.૨૧-૦૪-૨૦૧૨ સાંજે ૬.૦૦ કલાકે નવસારીની શેઠ આર. જે. જે. હાઈસ્કૂલના સભાખંડમાં ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે બહુવિધ કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. તે અંતર્ગત ભારતની અગ્રીમ સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયાએ આ વર્ષે ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે એમના પ્રકાશન રવિન્દ્રનાથ ટાગોર સર્જીત ‘શિક્ષણ અને ચિત્રકલા’ પુસ્તકના વિમોચન માટે ગ્રંથતીર્થ નવસારીને પસંદ કરી આપણને ગરિમા બક્ષી હતી.

 આ બહુવિધ કાર્યક્રમોનો શુભારંભ તથા ઉપરોક્ત પુસ્તકનું વિમોચન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. દક્ષેશભાઈ ઠાકરના વરદ્ હરતે થયા હતા.

 આ સમારોહ સયાજી લાઈબ્રેરી તથા નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો 

(૩) પુસ્તકઃ અમૃતા લેખકઃ ડો. સ્વાતિબેન નાયક

 સયાજી લાઈબ્રેરી પરિવારના સભ્ય ડૉ. સ્વાતિબેન નાયક એટલે સર્જન અને સર્જનના ઉત્સાહથી ધમધમતું નામ, સંવેદનાની છાલક, ઊર્મિનો ઉત્સવ. એમના સર્જનની ફળશ્રુતિ એટલે એમનો પ્રથમ વાર્તાસંગ્રહ અમૃતા.

ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગે સાકાર આ પુસ્તકનું વિમોચન તા. ૯-૯-૨૦૧૩, સોમવારે સાંજે ૫.૩૦ કલાકે જાણીતા લેખક, વિવેચક અને અધ્યાપિકા ડો. મીનળ દવેના હસ્તે થયું હતું.

 આ પુસ્તકમાં ૨૭ જેટલી સંવેદનશીલ વાર્તાઓના સમાવેશ થયો છે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન નવસારી નાટ્ય જગતના ઝળહળતા સિતારા સ્વ. હેમલભાઈ ભટ્ટે કર્યું હતું.

(૪)પુસ્તકઃ

(a) સુરીલા સંવાદ ભાગ-૨ (b)પ્રવાસિની લેખકઃ આરાધનાબેન ભટ્ટ

નવસારીના દીકરી, હાલમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસી શ્રીમતી આરાધનાબેન ભટ્ટ દ્વારા રચાયેલા નામાંકિત ગુજરાતીઓ સાથે વાર્તાલાપોનું પુસ્તક સુરીલા સંવાદ (ભાગ-૨) નું વિમોચન પ્રા. જયાનંદભાઈ જોષી દ્વારા તથા દેશાંતરિત નારીઓ સાથેના સંવાદોનું પુસ્તક પ્રવાસિનીનું વિમોચન શ્રી દિનેશભાઈ ભાવસારના હસ્તે તા. ૩૧-૦૧- ૨૦૧૫, શનિવારે સાંજે ૬.૦૦ કલાકે ‘પુસ્તકાલય પૂજન પર્વ’ નામના ચતુર્વિધ કાર્યક્રમોના ઉપક્રમે થયું હતું.

(૫) પુસ્તક: સિક્કાની ત્રીજી બાજુ લેખકઃ શ્રી હેમલ ભટ્ટ

 રંગકર્મી હેમલભાઈ ભટ્ટ નાટકના કસબી હતા. નાટકના દરેક ક્ષેત્રમાં એમના યોગદાનથી આપણે પરિચિત છીએ. સિક્કાની ત્રીજી બાજુ હૃદયસ્થ હેમલભાઈનું કીર્તિદા નાટક હતું. એમણે એમના પ્રથમ એકાંકી નાટ્ય પુસ્તકનું નામ એ જ રાખ્યું.

 ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનની કસોટીમાંથી ઉત્તીર્ણ થનાર એ પુસ્તકનું વિમોચન પ્રસિદ્ધ અને સમર્પિત નાટ્યકાર શ્રી વિહંગ મહેતા દ્વારા શનિવાર, તા.૧૬-૦૧- ૨૦૧૬ના દિને સાંજે ૫:૩૦ કલાકે સંસ્થાના સભાખંડમાં યોજાયું હતું.

 સયાજી લાઈબ્રેરી પરિવારના સભ્ય સ્વ. હેમલભાઈ ભટ્ટને વંદન.

(૬)પુસ્તકઃ ભારતની અવકાશ ગાથા લેખકઃ અશોકભાઈ પટેલ

 તા. ૨૩-૦૪-૨૦૧૮, સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે (વિશ્વ પુસ્તક દિન) વિજ્ઞાન વિષયક લેખો લખનાર, કટાર લેખક, પત્રકાર શ્રી અશોકભાઈ પટેલ લિખિત ભારતની અવકાશગાથા પુસ્તકનું વિમોચન બારીયા સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડો. અનિલભાઈ પિલ્લાઈના હસ્તે થયેલું.

 આ પુસ્તકમાં થુમ્બા, શ્રી હરિકોટા, ઈસરોની સંસ્થાઓ તેમજ ઈસરોના અધ્યક્ષ અને બીજા અવકાશ વૈજ્ઞાનિકોની મુલાકાત છે.

 () પુસ્તક : Healthy Minds, લેખકઃડો. પ્રશાંત ભીમાણી

તા.૨૩-૦૯-૨૦૧૮, રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે સયાજી લાઈબ્રેરી તથા નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના સુપ્રસિદ્ધ કન્સલ્ટિંગ સાઈકોલોજીસ્ટ ડો. પ્રશાંત ભીમાણી લિખિત Healthy Minds પુસ્તકનું વિમોચન થયું હતું.

 આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ તથા NMA પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈની નિશ્રામાં તથા નવસારીની પુસ્તકપ્રેમી જનતાની ઉપસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો.

 (૮) પુસ્તક: પંચગ્રંથઃ ભારતીય શિક્ષણ ગ્રંથમાળા લેખક અને સંપાદનઃ ઈન્દુમતીબહેન કાટદરે.

તા.૦૭-૧૦-૨૦૧૮ રવિવારે સવારે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે વિદુષી ઈન્દુમતીબહેન કાટદરે લિખિત તથા સંપાદિત પંચગ્રંથ લોકાર્પણ સમારંભ સયાજી લાઈબ્રેરી, નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તથા વિદ્યાભારતી (નવસારી) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દેસાઈ તથા અતિથિવિશેષ વસાવા સાહેબ (ડી.ઈ.ઓ., નવસારી) હતા.

ભારતીય શિક્ષણ ગ્રંથમાળા અંતર્ગત ઈન્દુમતીબહેન કાટદરે (૧) ભારતીય શિક્ષણઃ સંકલ્પના અને સ્વરૂપ (૨) શિક્ષણનો સમગ્ર વિકાસ પ્રતિમાન (૩) ભારતીય શિક્ષણના વ્યાવહારિક પાસા (૪) પશ્ચિમીકરણથી ભારતીય શિક્ષણની મુક્તિ તથા (૫) વૈશ્વિક સંકટોનું નિવારણઃ ભારતીય શિક્ષણનું લેખન તથા સંપાદન કર્યું હતું.

સવારે આ પંચગ્રંથનું લોકાર્પણ થયું અને બપોરે ગ્રંથ વિષયક શૈક્ષણિક ગોષ્ઠિનું આયોજન થયું હતું.

(૯) પુસ્તક: India Moving, લેખક: Chinmay Tumbe

તા. ૨૨-૦૧-૨૦૧૯, મંગળવારે રાત્રે ૮.૩૦ કલાકે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટમાં સયાજી લાઈબ્રેરી તથા નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે India Moving (લેખક: Chinmay Tumbe) પુસ્તકનું વિમોચન થયું હતું.

 આ વિમોચન સયાજી લાઈબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ તથા NMA પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈની નિશ્રામાં થયું હતું.

(१०) પુસ્તક: We’re Alive To live Only, લેખક: કુ. શ્રેયા કટારીઆ

સયાજી લાઈબ્રેરીમાં ૨૦૦૩ થી દર મહિનાના પહેલા શનિવારે સાંજે ૬.૦૦ કલાકે મને ગમતું પુસ્તકઃ યુવા વાર્તાલાપનું આયોજન થાય છે. તા. ૦૬-૦૪-૨૦૧૯, શનિવારના યુવા વાર્તાલાપ અંતર્ગત સયાજી લાઈબ્રેરીની દીકરી યુવા- પુસ્તકપ્રેમી કુ.શ્રેયા કટારીઆની પ્રથમ અંગ્રેજી  ‘We’re Alive To Live Only’ વિમોચન સુરતના જાણીતા લેખિકા સુશ્રી એપા દાદાવાળાના હસ્તે તથા પુસ્તકાલયના અધિષ્ઠાતા ટ્રસ્ટીશ્રી મહાદેવભાઈ દેસાઈની નિશ્રામાં યોજાયું હતું. શ્રેયાએ આ પુસ્તક ઉપર વાર્તાલાપ પણ આપ્યો હતો.

 (૧૧)પુસ્તકઃ નરેન્દ્ર મોદી અને નવી પેઢી લેખક : શ્રી દિનેશ દેસાઈ

તા. ૧૫-૦૯-૨૦૧૯ સવારે પુસ્તકાલયના હોલમાં સયાજી લાઈબ્રેરી તથા NMAના સંયુક્ત ઉપક્રમે દિનેશભાઈ દેસાઈ લિખિત પુસ્તક નરેન્દ્ર મોદી અને નવી પેઢી પુસ્તકનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જે. યુ. મહેતા, ડો. મુકુલ ચોકસી, જવલંત નાયક તથા કુમારેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દિનેશભાઈ દેસાઈ ૧૯૮૯ થી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહ્યાં છે.


 પુસ્તક પ્રદર્શનો

(૧) સયાજી લાઈબ્રેરીમાં પુસ્તક-પ્રદર્શનનો પ્રારંભ ‘’લોક મિલાપ” ના સહયોગથી થયેલો. એક થી વધુ વખત સંસ્થા દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં સ્વ.મહેન્દ્રભાઈ મેઘાણી પણ આવતા અને માર્ગદર્શન આપતા.

 (૨) નવસારીની પુસ્તકપ્રેમી જનતાના લાભાર્થે લાઈબ્રેરીએ સંસ્થાના સભાખંડમાં બે વખત ગુજરાતની જાણીતી પ્રકાશન સંસ્થા “નવભારત સાહિત્ય મંદિર’’ ના પુસ્તકોનું પ્રદર્શન યોજેલું.

 (૩) ઈ.સ. ૨૦૦૫માં લાઈબ્રેરીએ ‘’રોલ મોડેલ કેન્દ્રિત શ્રેષ્ઠ સ્પર્ધા”નું આયોજન કરેલું. એ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ભેટ-સ્વરૂપે પુસ્તકો આપવા માટે તથા અન્ય સૌ પુસ્તક પ્રેમીઓ માટે સંસ્કાર ભારતી શાળાના મેદાનમાં ખૂબ સરસ પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.

 () .. ૨૦૧૨ માં લાઈબ્રેરીના હોલમાં ગાંધી પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલું. પ્રદર્શનનું ઉદ્ઘાટન ડો. દક્ષેશભાઈ ઠાકરના વરદ્ હસ્તે થયેલું.

 () .. ૨૦૧૩ સંસ્થાએ ટાટાહોલના કેમ્પસમાં વિશાળ ડોમમાં મહાત્મા ગાંધી તથા સ્વામી વિવેકાનંદના ફોટો પ્રદર્શનની સાથે ખૂબ સુંદર પુસ્તક પ્રદર્શન યોજ્યું હતું. તે પુસ્તક પ્રદર્શનની મુલાકાત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધી હતી.

 () .. ૨૦૧૫માં લાઈબ્રેરીએમહાભારત ઓલમ્પિયાડનામક મહાભારતની મહાસ્પર્ધાઓનું આયોજન કરેલું. જે અંતર્ગત નવસારીની શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો. વિજેતા વિદ્યાર્થીઓ માટે તથા નવસારીની પુસ્તકપ્રેમી જનતાના લાભાર્થે ઠાકો૨વાડીમાં પુસ્તક પ્રદર્શન યોજેલું.

 () .. ૨૦૧૯ માંહોલ ઓફ ફેમપ્રોજેક્ટના વિજેતા વિદ્યાર્થીઓ તથા અન્ય સૌ માટે ઠાકોરવાડીમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરેલું.

(૮) ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે યોજાયેલ “મહાત્માની મહાસ્પર્ધા” પ્રોજેક્ટના વિજેતા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે પુસ્તકો આપવા તથા નવસારીની જાહેર જનતા માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટમાં ખૂબ જ ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલું.

 (૯) આઝાદીનો અમૃતોત્સવ અને ઝવેરચંદ મેઘાણી સવાસોમી જયંતી નિમિત્તે યોજાયેલ પ્રોજેક્ટના પુરસ્કાર પ્રાપ્ત વિદ્યાર્થીઓ, શાળાઓ તથા સર્વજન માટે તા. ૩-૪-૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન ઠાકોરવાડીમાં એક સુંદર પુસ્તક પ્રદર્શનનું આયોજન થયું હતું.

(૧૦) દર વર્ષે વાચકોને ગમતા પુસ્તકો પ્રાપ્ત થાય એ ઉદેશ્યથી લાઈબ્રેરી દ્વારા પંચ દિવસીય પુસ્તક પ્રદર્શનનું નિયમિત આયોજન થાય છે.