દુનિયાભરમાં ક્યાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠ વાચક સ્પર્ધા. આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષને વિશિષ્ટ અને સ્મરણીય રીતે ઉજવવા અને બાળકોને પુસ્તકાભિમુખ કરવા માટે એક અભિનવ સ્પર્ધાનું આયોજન ‘શ્ર્રેષ્ઠ વાચક સ્પર્ધા’ના રૂપે થયું
‘રેકોર્ડ બુક’માં સ્થાન પામે એવી આ ‘મેગા ઇવેન્ટ’ હતી.
આ સ્પર્ધા દરમ્યાન:
શાળામાં વિચારમેળાઓનું આયોજન થયું-જેમાં વિદ્વાન વક્તાઓએ બાળકોને પુસ્તક વાંચન વિશે વક્તવ્યો આપ્યા.
૧૭ શાળાઓમાંથી ગ્રંથયાત્રાઓ નીકળી જેમાં સ્પર્ધક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, પુસ્તકો, બેનરો, પ્લેકાર્ડસ લઇને શહેરનાં દરેક વિસ્તારોમાં ફરી હરીફાઇનાં સ્થળ પર ગયા. ગ્રંથયાત્રામાંથી બે સૂત્રો ઉભર્યા. ‘અમને પેપ્સી નહીં, પુસ્તક આપો’ ‘અમે વાંચીશું, અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું’ ગ્રંથયાત્રાએ નવસારી શહેરમાં પુસ્તક વાંચન માટે એક સુંદર માહોલ રચ્યો.
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન નવસારી શહેરનાં બાળપુસ્તકાલયોનાં બધા જ પુસ્તકો ખાલી થઇ ગયા.
શાળાની લાયબ્રેરીનાં પુસ્તકનાં કેટલાક કબાટો જે ક્યારેય ખુલ્યા ન હતાં તેવા કબાટોનાં બધા પુસ્તકો બાળકો વાંચવા માટે લઇ ગયા.
નવસારી નગરીએ ક્યારેય ન જોઇ હોય એવી પુસ્તકો મેળવવા માટેની બાળકોની કતારો લાયબ્રેરીમાં જોવા મળી.
બાળકોની પુસ્તકોની માંગને ધ્યાનમાં રાખી સયાજી વૈભવ લાયબ્રેરીએ તાત્કાલિક બાળકો માટેનાં પુસ્તકો ખરીદવા પડયા.
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા ત્રણ સ્તરે થઇ. પહેલાં રાઉન્ડમાં ૧૦,૩૪૫ વિદ્યાર્થીઓએ એક સાથે ભાગ લીધો. નિર્ણાયકોએ દસ હજાર વિદ્યાર્થીઓની કસોટી કરી.
પ્રથમ રાઉન્ડમાં વિજેતા એવા હજાર જેટલા સ્પર્ધકોએ બીજા દિવસે બીજા રાઉન્ડમાં બે નિર્ણાયકોના પરીક્ષણમાંથી પાર ઉતરવાનું હતું.
શ્રેષ્ઠ વાચક સ્પર્ધાની ઉપલબ્ધિઓ:
બાળકોએ હજારો પુસ્તકો વાંચીને ઇતિહાસ રચ્યો.
‘બાળકો ટી.વી. જ જોઇ છે અને વાંચતા નથી’ એ માન્યતા ખોટી છે, એ બાળકોએ પૂરવાર કર્યું.
બાળકોમાં વાચન સંસ્કારના બીજ રોપાયા.
બાળકોમાં પુસ્તકો વાંચવા જોઇએ એ અભિગમ વિકસયો અને વાચન એક ટેવ બની.