શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ ગ્રીન શાળા પુરસ્કાર : (૨૦૧૧-૨૦૧૨)

Jan 8, 2019

દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી શાળા વગેરે. પ્રથમ વર્ષે પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાને ‘શ્રેષ્ઠ ગ્રીન, શાળા’નો પુરસ્કાર અપાશે. આને કારણે ૯૦ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ માટે જાગ્રતિ આવશે. અને પર્યાવરણ સંવર્ધનના નાના-મોટા પ્રોજેક્ટો પણ હાથ ધરાશે.

સમગ્ર સૃષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ સંવર્ધન માટે પ્રેરણા આપતો આ પ્રોજેકટ એ શાળા શિક્ષણનું મહત્વનું અંગ બની રહેશે.શાળાનું પ્રોજેકટ કાર્ય જનજાગ્રતિ અભિયાન માટે અમૂલ્ય બની રહેશે. એમાં પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણનો અભ્યાસ જનશિક્ષણ માટે ખૂબ ઉપયોગી બની રહેશે.

શાળાએ કરવાની પ્રવૃત્તિઓ

૧. એકસાથે શુભારભઃ

શાળા સ્તરે-સામૂહિક સંકલ્પ અને સામૂહિક શુભારંભ

પર્યાવરણની સમસ્યા અંગે વિદ્યાર્થી અને સમાજ જાગ્રત થાય અને એ માટે નક્કર પ્રદાન કરે એ ખૂબ જ જરૂરી છે. એ માટે પર્યાવરણની સમસ્યાઓ, એની ગંભીરતા, વિશ્વ સમક્ષના ગંભીર પ્રશ્નો અને આ પુરસ્કારની, યોજનાની સમજ આપવા શાળામાં ‘એક સાથે શુભારેભ’ કાર્યક્રમનું આવોજન કરવામાં આવ્યું અને એ દિવસે પર્યાવરણ અંગે નિષ્ણાંતોના, પ્રવચન શાળામાં ગોઠવવામાં આવ્યાં. આ અંતર્ગત શાળાના દરેક વિદ્યાર્થીનેઃ

  • શાળાના મિશન વિધાન અને મિશન સંકલ્પની અગત્યતા અને એ કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી.

  • શાળા પર્યાવરણ સંવર્ધન માટે જે કામગીરી કરવા માંગતી હોય તેનાથી સૌને માહિતગાર કરવામાં આવ્યા.

  • આ સમગ્ર અભિયાન માટે સામૂહેક ચેતના અને જાગ્રતિ લાવવામાં મદદ મળી.

૨. (અ) ગ્રીન મિશન-વિઝન

એકસાથે શુભારંભ બાદ શાળાએ પોતાનું ગ્રીન મિશન-વિઝન નક્કી કરવાનું છે અને એ માટે શાળાઓને એક વિચારદાયક પદ્ધતિ સૂચવવામાં આવી.

પ્રવચનઃ એકસાથે શુભારંભ કાર્યક્રમમાં પર્યાવરણ અંગ નિષ્ણાંતનું પ્રવચન.

વક્તૃત્ત્વ સ્પર્ધાઃ દરેક વર્ગમાં પર્યાવરણના વિષયો પર વકતૃત્વ સ્પર્ધા યોજાય, જેથી વર્ગના દરેક વિદ્યાર્થીને પર્યાવરણ અંગે થોડી ઘણી જાણકારી મળે.

મિશન વિધાનઃ આવી પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ દરેક વિદ્યાર્થી પોતાનું, દરેક વર્ગ, વર્ગનું અને દરેક શિક્ષક તેમ જ શાળા પોતાનું ગ્રીન ‘મિશન’ નક્કી કરે એવી અપેક્ષા છે. શાળા જે મિશન નક્કી કરે તે અનુરૂપ એણે આગામી વર્ષમાં કામગીરી કરવાની રહેશે. શાળા પોતે પર્યાવરણ જાગ્રતિ માટે આગામી એક વર્ષમાં શું કરશે તેનો સંકલ્પ જાહેર કરે અને શાળામાં ઠેર-ઠેર બહેનો મૂકે.

આ માટે નીચે પ્રમાણેની પ્રક્રિયા સૂચવવામાં આવી. સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી પોતાનો સંકલ્પ જાહેર કરે ત્યાર બાદ દરેક વર્ગ પોતાનો સંકલ્પ જાહેર કરે અને અંતે શાળાની ટીમ આ અંગે ચર્ચા કરી શાળાનો સંકલ્પ / મિશન વિધાન જાહેર કરે.

વિધાર્થીઓએ જાત જાતના સંકલ્પો લીધા:

  • ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે પોતે શું કરશે?

  • પાણીનો બગાડ અટકાવવા હું શું કરી શકું? અને એવા અસંખ્ય

૩. શાળાકીય સ્તરે દેખાવઃ ભૌતિક ઉપલબ્ધિઓનું નીચે

પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવ્યું

પાણી : શાળાની પાણી નીતિ, પાણીનો વપરાશ, કરકસર માટેના ઉપાયો, પ્રતિ વિદ્યાર્થી પાણીનો સરેરાશ વપરાશ, વરસાદી પાણીનો સંગ્રહ (રિચાર્જિંગ), પાણીનો પુનઃ વપરાશ (વપરાયેલા પાણીનો પુનઃ વપરાશ)

જમીનઃ શાળાનો ગ્રીન વિસ્તાર (લોન + વૃક્ષો, જમીનનું ધોવાણ અટકાવવા માટેના પગલા () વૃક્ષારોપણ, શાળાના  બાગમાં વપરાતા જંતુનાશકો અને રસાયણિક ખાતરો(જોખમકારક જંતુનાશકો વપરાય છે કે કેમ)

ઊર્જા: શાળાની વીજળી નીતિ, વીજળી વપરાશ / પ્રતિ વિદ્યાર્થી દર માસના રીડીંગ રાખવા), વીજળી બચાવનાર ઉપકરણો.

કચરો: કચરા અંગેની શાળાની નીતિ, કચરો ભેગી કરવાની વ્યવસ્થા, કચરા નિકાલની વ્યવસ્થા-નિકાલ, કચરાનો પુનઃ વપરાશ ઈ ભરકારે છૂટો પાડવો, સેન્દ્રિય, કાગળ, કાચ, પ્લાસ્ટિક, ધાતુ,ઈલેકટ્રોનિક), કચરાનો નિકાલ.

હવા: હવા ઉજાસવાળા ઓરડાની સંખ્યા અને હવા-ઉજાસનું પ્રમાણ, ચાલતા / સાઇકલ / ખાનગી વાહન / બસ અને જાહેર વાહનો દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટકાવારી (ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે જરૂરી), ધૂળરહિત પર્યાવરણ.

ગ્રીન પુસ્તકાલય: શાળાએ પોતાના ગ્રંથાલાયમાં પર્યાવરણ અંગેનાં પુસ્તકો અલગ તારવવાં અને દરેક વિદ્યાર્થી આ પૈકી વર્ષ દરમ્યાન ઓછામાં ઓછું એક પુસ્તક વાંચે એવી પ્રેરણા આપવી.

૪. પર્યાવરણ અંગે શૈક્ષણિક પ્રવૃત્તિઓ,

જાગ્રતિ અભિયાન અને તાલીમ

૧. વિવિધ સ્પર્ધાઓ જેવીકે વક્તૃત્વ, નિબંધ, ચિત્ર, સુવિચાર, ક્વીઝનું આયોજન કરવું, સેમિનાર : સેમિનાર અથવા પરિસંવાદોનું આયોજન, પર્યાવરણ સંસદ, પર્યાવરણના પુસ્તકો વિશે ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપ, પર્યાવરણ તાલીમ શિબિરો, પર્યાવરણ પુસ્તક વાચન અભિયાન, પર્યાવરણ સમસ્યાઓ પર પ્રેઝન્ટેશન, લોકજાગ્રતિ યાત્રા વિગેરે.

૫. અભિનવ પ્રોજેક્ટો

(અ) ૧. વૃક્ષારોપણ,

        ૨. નો પ્લાસ્ટિક દિવસ (No Plasticday)

        3. નો વાહન દિવસ (No vehicalday)

        ૪. જળ માર્ગની યાત્રા (શહેરમાં જ શક્ય છે, પીવાના/વપરાશના પાણીના ઉદ્દભવ સ્થાનથી ગંદા પાણીના નિકાલ સુધીનો માર્ગ)

        પ. અભ્યાસ સર્વેક્ષણ – જીવન પદ્ધતિ – હકીકત – આંકડાઓ

        ૬.પૃથ્વી બચાવો મ્યુઝિયમ (Save the planet museum)

       ૭. ઉત્સવ ઉજવણી દરમ્યાન – પર્યાવરણ જાગ્રતિના કાર્યક્રમો (ગણેશ ઉત્સવ, નવરાત્રિ)

       ૮. પેપર કટિંગ ભેગાં કરવાં – તેનું વર્ણન કે સમજ (લેખો,ચિત્રો વગેરે) (અખબારપત્રો, મેગેઝિનો વગેરેમાંથી મળી શકે).

       ૯. વૃક્ષ પરિચયઃ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછાં ૫૦ વૃક્ષોનાં/છોડનાં પર્ણો ભેગાં કરી પ્રોજેક્ટ બનાવશે અને એ વનસ્પતિ વિશે પાંચથી  દસ વાક્યો લખશે.

       ૧૦. શૂન્ય કચરો દિવસ.

(બ) ૧. ધૂળરહિત મહોલ્લાઓ

        ૨. વરસાદી પાણીનો સંગ્રહ – રિચાર્જ

        ૩. સી.એફ.એલ. વપરાશનું અભિયાન

(ક) પર્યાવરણ વેબસાઇટનો અભ્યાસ (ગ્રૂપ દ્વારા) ૧૦ વિદ્યાર્થીઓનું બનેલું એક જૂથ ઓછામાં ઓછી પાંચ વેબસાઇટનો અભ્યાસ કરે અને દરેક વેબસાઇટ વિશે એક પાનામાં લેખિત હેવાલ આપે.

(ડ) પર્યાવરણના પુસ્તકો વિશે શેરી વાર્તાલાપ (વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા) ૧૫થી રપ વિદ્યાર્થીઓના જૂથો બનાવવા. દરેક જૂથ ઓછામાં ઓછા ૨ શેરી વાર્તાલાપ કરે. દરેક વાર્તાલાપમાં ૩ વિદ્યાર્થી વાર્તાલાપ આપે. શાળામાંથી ઓછામાં ઓછા ર જૂથ બનવા આવશ્યક છે. શેરી વાર્તાલાપ રપ વિદ્યાર્થીઓના જૂથ પૈકી કોઈ પણ એક વિદ્યાર્થી જ્યાં રહેતો હોય એ વિસ્તારમાં, શેરી / એપાર્ટમેન્ટ / મહોલ્લામાં કરવાના હોય છે. આમ નવસારીના જુદા જુદા મહોલ્લા કે શેરીમાં પર્યાવરણના પુસ્તકો વિશે વાર્તાલાપ યોજાશે.

 ૬. શાળાની ગ્રીન ટીમની કામગીરી

() શાળાની ગ્રીન ટીમઃ નિર્દેશિત તમામ કાર્યક્રમો માટે સમગ્ર શાળાએ ૧૫થી ૫૦ વિદ્યાર્થીઓની ટીમ બનાવવાની હોય છે.

 ગ્રીન ટીમે કરવાની કામગીરી

  • વર્ગનું / શાળાનું મિશન વિધાન-સંકલ્પ નક્કી કરવું.

  • શાળાની / વર્ગની મુલાકાત લેશે અને પર્યાવરણ સંબંધી પ્રશ્નોની તપાસ કરશે. આરોગ્ય અને સલામતી માટે ગંભીર હોય, એવી બાબતોની નોંધ કરશે.

  • દરેક વર્ગ માટેનું ચેકલિસ્ટ તૈયાર કરો.

  • દરેક મુલાકાત બાદ જોવા મળેલ બાબતોની નોંધ કરશે.

  • લાઈબ્રેરીની મુલાકાત લેશે અને પર્યાવરણ સંબંધી તેમ જ પાણી અને ઊર્જા સંબંધિત બાબતોનો અભ્યાસ કરશે.

  • શિક્ષકો જોડે પ્રશ્નો અને ઉકેલની ચર્ચા કરશે.

૭. શાળા દ્વારા અભિનવ કાર્યક્રમો

 આ અંગે શાળા પોતે પોતાને મનપસંદ એવા પર્યાવરણ જાગ્રતિ સંવર્ધનનાં કાર્યો કરી રહી છે. જેમાં નવરાત્રિ દરમ્યાન કેટલાક શિક્ષકો દ્વારા પર્યાવરણ અંગે ગરબા લખવામાં આવ્યાં અને તે માત્ર શાળામાં જ નહીં પરંતુ શેરીઓમાં પણ ગવાયાં જેમકે,

આવ્યો પૃથ્ળીને તાવ, માનવ ચેતજો રે,

પડશે પાણીનો દુકાળ માનવ ચેતજો રે

તને પર્યાવરણ મળ્યું છે મોંઘી મૂલનું,

માનવ કરી લે વિચાર ભાવિ પેઢીનો,

તે તો જંગલોને કાપ્યા, પશુપંખીને ભગાડયાં,

                તે તો વરસાદનું કાઢ્યું નિકંદન રે…

શ્રેષ્ઠ ગ્રીન શાળા અંતર્ગત નવસારી જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાને પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે તેમજ શાળાની ટીમને પણ પુરસ્કાર આપવામાં આવશે. કુલ આશરે રૂ. ૨.૦૦ લાખના પુરસ્કારો આપવામાં આવશે.

આ ઉપરાંત જળ સંવર્ધન water conservationની ભૂમિ સંરક્ષણ, કચરાનું નિયમન, ઊર્જાનું સંવર્ધન, પર્યાવરણનાં પુસ્તકો વિશે શેરી વાર્તાલાપ, ‘ધરતીમાતાને બચાવો’ સંગ્રહાલય, વૃક્ષારોપણ-વૃક્ષઉછેર,પુનઃપ્રાપ્ય ઊર્જા તેમ જ વૃક્ષ પરિચય વગેરે જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર શાળાઓને વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવશે.

નિર્ણાયકો: આ માટે તાલુકા અને જિલ્લા સ્તરે મૂલ્યાંકન કરવા પર્યાવરણનો અભ્યાસ અને એમાં રસ ધરાવતા ૩૦ જેટલા નિષ્ણાંત અને તજજ્ઞોની નિર્ણાયક તરીકે અદભૂત સેવા મળી રહી છે.

વિદ્યાર્થીઓને આવી પ્રેરણા આપવામાં આવીઃ

  • કુટુંબની દરેક વક્તિદીઠ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવો (કોઈપણ જગ્યાએ).

  • અંતર ઓછું હોય અને ચાલતા જઈ શકાય એમ હોય ત્યાં વાહનોનો ઉપયોગ ટાળો.

  • વાહનને નિયત ગતિ મર્યાદામાં જ હાંકો અને વ્યવસ્થિત રીતે એક્સિલેટર આપો, જેથી પેટ્રોલ/ડિઝલની બચત થાય.

  • એક વીજળીનો બલ્બ બંધ રાખવાથી વર્ષે આશરે ૨૨,૦૦૦ વૉટ વીજળીની બચત થઈ શકે (એટલે વર્ષે રૂ. ૧૩૨.૦૦).

  • કમ્પ્યૂટર જ્યારે ચાલુ ન હોય ત્યારે સ્વીચ ઓફ કરો. સ્વીચ ઓન પર રાખવાથી ઘણી વીજળીનો વ્યય થાય છે.

  • પ્લારિટકની કોથળીનો ઉપયોગ ટાળો. શક્ય હોય ત્યાં કાગળની અને બજાર જતી વેળા કાપડની થેલી વાપરો.

  • દરિયાકિનારે જાવ, ત્યારે કચરો કે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકશો નહીં. આવો કચરો દરિયાને પ્રદૂષિત કરે છે.

  • વરસાદી પાણીની ગટરમાં ઓઇલ, ગ્રીસ, રંગ, જંતુનાશકો તેમ જ અન્ય ઝેરી પદાર્થો નાંખશો નહીં. આવો કચરો દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરે છે.

  • પરફ્યુમ, સેન્ટ વગેરે ઓઝોન ફ્રેન્ડલી વાપરો. સીએફસીથી યુક્ત હોય એવી વસ્તુઓ વાપરો નહીં.

  • શક્ય હોય એટલી વસ્તુઓનો પુનઃવપરાશ કરો(Recycle).દર રવિવારના વર્તમાનપત્રોને જ રિસાઇકલ કરવામાં આવે તોપણ એ દર અઠવાડિયે પાંચ લાખ જેટલાં વૃક્ષો બચાવશે.

  • બ્રશ કરતાં હોય, દાઢી કરતાં હોય કે હાથ ધોતાં હોય ત્યારે પાણીનો નળ ચાલુ ન રાખો. જરૂર પૂરતું જ પાણી વાપરો. આ રીતે કરવાથી દરેક કુટુંબદીઠ રોજનું ર૫ લિટર પાણી બચી શકશે.

  • તમને ખબર છે કે રાજ્યસરકાર/નગરપાલિકા જે પાણી તમને શુદ્ધ કરીને પહોંચાડે છે, તેની કેટલી કિંમત થાય છે? આશરે દર ૧,૦૦૦ લિટર દીઠ રૂ. ૧૦/-નો ખર્ચ થાય છે. એટલે કે તમારા કુટુંબદીઠ રોજના રૂ. ૧૦/- અને વર્ષના આશરે રૂ.૩,૦૦૦/-. જ્યારે પાણી વેરો માંડ રૂ. ૫૦/- થી રૂ. ૧૦૦/- હોય છે આ કારણે આપણે પાણી વેડફીએ છીએ, કારણ કે આપણને એની કિંમત સમજાતી નથી.

  • ઝાડ અને લોનને સવારમાં પાણી આપો, જેથી ઝાડ એનું બાષ્પીભવન થાય એ પહેલા એને શોષી શકે.

  • રૂમમાંથી બહાર નીકળો એટલે લાઇટ/પંખાની સ્વીચ બંધ કરો.

  • ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલુ ન રાખો.

  • સામાન્ય વીજળીના ગોળાને બદલી CFL (સીએફએલ) લેમ્પ વાપરો, જે ૭૫% વીજળીની બચત કરે છે.

  • શક્ય હોય ત્યાં સૂર્યશક્તિનો ઉપયોગ કરો.

  • તમારા વાહનના ટાયરોમાં પૂરતાં દબાણે હવા રાખો, જે તમારા બળતણનો વપરાશ ઘટાડશે.

  • ઊર્જા કાર્યદક્ષ ઉપકરણો વાપરો (ફ્રીઝ, એસી., ઇસ્ત્રી વગેરે).

  • શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળો. જો કામ ફોન, ઈ-મેઇલથી પતાવાતું હોય તો બળતણ બચાવો.

  • કોઈ પણ વસ્તુ જરૂરિયાત પૂરતી જ ખરીદો. બિનજરૂરી ખરીદી- વપરાશ ટાળો.

  • મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. બસ, ટ્રેનમાં મુસાફરી કરો.

  • શક્ય એટલા કાગળ ઓછા વાપરો. કાગળની બંને બાજુ લખો અને વાપરો.

  • પુનઃપ્રાપ્પ અને ગ્રીન ઊર્જા સ્ત્રોતોનો વપરાશ વધારો,

  • વૃક્ષો વાવો.

  • ગળતા નળ-પાઇપ તાત્કાલિક રિપેર કરાવો.

  • ટાંકીને ઉભરાવા ન દો. પાણી ભરાઈ જતા તરત નળ બંધ કરો.

  • કુદરતી રેષામાંથી બનેલાં વસ્ત્રો અને કુદરતી રંગોનો વપરાશ કરો.

  • ઋતુ પ્રમાણે પોશાક અપનાવો, જેથી વીજળીની બચત કરી શકાય.

  • વોશિંગ મશીન તમામ કપડાં નાંખ્યાં હોય ત્યારે જ ચલાવો.

  • તમારે વપરાશમાં ન આવતી હોય એવી વસ્તુઓ ફેકી ન દેતા, જરૂરતમંદોને દાન આપો.

  • આ તમામ વાત બીજાને કરો અને તમે કરેલ બચત એઓ કરે એ માટે પ્રેરણા આપો.