બાળકોનું વેકેશન રચનાત્મક પ્રવૃત્તિવાળું બની રહે તે માટે વેકેશન દરમ્યાન “ચાલો વાંચીએ, ચાલો લાઈબ્રેરીમાં’’ અભિયાન ૨૩ એપ્રિલ થી ૧૫ જૂન દરમ્યાન ચાલે છે. ૫ પુસ્તકો વાંચનાર બાળકોને ૧ વિશિષ્ટ નોટબુક આપવામાં આવે છે. સેંકડો બાળકો વેકેશનમાં મેમ્બર બનીને પુસ્તકપ્રેમી બને છે. જે ભવિષ્યમાં એમના જીવન ઘડતર માટે ઉપયોગી નીવડે છે.
વિદ્યાર્થીઓમાં અભ્યાસ અને સંશોધનની વૃત્તિ ખીલે અને ઉચ્ચ અભ્યાસમાં ટેવ મદદરૂપ થાય એ માટે વિશ્વકોશ સાથે ૫૦ કલાક પુસ્તકાલયમાં વિજ્ઞાનકોશ, ભગવદ્રો મંડળ, Encyclopedia સાથે સંગત બેઠક યોજવામાં આવે છે.
રોજ બુદ્ધિ, તર્ક, કલ્પના વિસ્તારનારી રમતોથી બાળકો વિકાસ પામે છે. સંસ્કાર ઘડતરની ફિલ્મો જોઈને એના વિવિધ પાસાંઓ વિષયે, એમાંથી મળતા સંદેશ વિષયે ચર્ચા કરીને પ્રેરણા મેળવે છે.
વાર્તાલેખન, વાર્તાકથન, યોગ, ક્રાફટ તથા ખેલોગે તો જાનોગે જેવા વર્કશોપ્સ દ્વારા બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થાય છે. કાવ્યપઠન જેવા વર્કશોપ્સ દ્વારા ઉચ્ચારશુદ્ધિ, વિરામચિન્હોનું માર્ગદર્શન, ગુજરાતી શબ્દોની જોડણીના નિયમો વિષયે માર્ગદર્શન આપવામાં આવે છે.
“વિજ્ઞાનના પ્રયોગોથી વિસ્મયની દુનિયા” જેવા અનોખા વર્કશોપથી વિજ્ઞાનના સિદ્ધાંત માત્ર જાણવાથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય નહીં પણ દૃષ્ટિ વિશાળ થાય એ અનુભવાય છે. નિરાકાર સે આકાર (Clay Mural) વર્કશોપમાં માટીમાંથી કલ્પનાશક્તિ, સર્જનકલા કેમ વિકસાવવી એનો આનંદ બાળકોએ અનુભવ્યો છે.
મુગ્ધાવસ્થામાં આવેલ કિશોરીઓની શંકા અને સમસ્યાઓની ખુલ્લા મને ચર્ચા અને નિરાકરણ વર્કશોપ થકી મળે છે. જેથી કિશોરીઓ સાચી અને સચોટ માહિતી મેળવી ખોટી દિશા તરફ જતી અટકે છે.ઓરીગામી, વારલી કલા પેઈન્ટિંગ, બાળકો સાથે વાલીઓ પણ સહભાગી થઈને શીખે ત્યારે એ ફરી વિદ્યાર્થી બનવાનો આનંદ પણ લે છે. Happy Hours (EQ Development) વર્કશોપમાં બાળકો ભાવનાઓની અભિવ્યક્તિ કરતા શીખે છે. કૃતજ્ઞતા, સ્વીકાર, ક્ષમા આ મૂલ્યોનું આનંદ પ્રાપ્ત કરવા માટે કેટલું મહત્ત્વ છે. એ વિશે બાળકો જાગૃત થઈને જીવનમાં ઉતારે એવા પ્રયત્ન કરવામાં આવે છે.
વિશ્વપ્રસિદ્ધ પુસ્તક “પોલિએના” પર ચર્ચા, સમજણ દ્વારા બાળકોમાં જીવન માટે સકારાત્મક દષ્ટિકોણ રાખવાથી સ્ટ્રેસ, દુઃખમાંથી મુક્ત થઈને આનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો એની સમજણ રમત દ્વારા આપવામાં આવે છે. આ વર્કશોપની ઘણી સારી સકારાત્મક અસર બાળકો પર પડે છે.
‘જાણવા જેવા માણસ’ શ્રેણી અંતર્ગત વિવિધ ક્ષેત્રના સફળ વ્યક્તિઓની ગાથા/વાર્તા પુસ્તકોના આધારે કરવામાં આવે છે. એમના સંઘર્ષ, ત્યાગ, સમર્પણ, ધગશ દ્વારા ધ્યેયપૂર્તિની વાતો બાળકોને પ્રેરણા આપે છે. આજની તણાવભરી જિંદગીમાં લાઈબ્રેરી બાળકોને એક એવો મંચ પૂરો પાડે છે જ્યાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા ખીલે અને ઉમંગ-ઉલ્લાસ વધે.
સર્જક સાથે સંવાદ – વર્ષ ૨૦૦૯ ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી ૨૦૦૯માં સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત સર્જકો પોતાની કૃતિ રજૂ કરે અને અનુભવી સર્જક દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવે.