ઘણીવાર આપણામાંની જ એવી વ્યક્તિઓ કંઈક વિશિષ્ટ પ્રવૃત્તિ, સાહસ, આગવી આવડતના લીધે સમાજમાં અલગ સ્થાન પામે છે. અને છતાં પ્રસિદ્ધિથી દૂર રહે છે. એવા વ્યક્તિઓ વિષયે જાણીએ, સમજીએ તો ખૂબ જ પ્રેરણા મળે છે. મળવા જેવા માણસ શ્રેણી અંતર્ગત આજ સુધી ૩ પુષ્પો ગુંફાયા.

અસંખ્ય શારીરિક તકલીફો હોવા છતાં મજબૂત મનોબળથી એવરેસ્ટ સર કરનાર પુણેના અપર્ણા પ્રભુ દેસાઈએ દરેકના મનમાં એક અલગ એવરેસ્ટ હોય છે એને સર કરવાની વાત કરી.

ઑસ્ટ્રેલિયા સ્થિત અને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સાત સમંદર પાર વિકસિત રાખવાના વિવિધ પ્રયત્નો કરતા આરાધના ભટ્ટે ખૂબ સરળતાથી, સાહજિકતાથી, વાતોના સ્વરૂપમાં નવસારીની સાથેની બાળપણની વાતો વાગોળી.

વિશ્વના ૭ ઉચ્ચ શિખરોને સર કરવાનું લક્ષ્ય રાખનાર ભારતની પહેલી અને વિશ્વની બીજી બહેનોની જોડી અદિતિ અને અનુજાની એવરેસ્ટ સર કરવાની વાતો ઑડિયો વિઝ્યુઅલ દ્વારા શ્રોતાઓમાં રોમાંચ ઊભો કરી ગઈ. સ્ત્રી એક વ્યક્તિ તરીકે ધારે તો શું કરી શકે એના ઉત્તમ ઉદાહરણ આ વ્યક્તિઓએ પૂરા પાડ્યા. નવસારીના ગૌરવવંતા રંગકર્મી શ્રી રૂમી બારીઆએ ૫૦૦ જેટલાં એકાંકી, ૨૦૦ જેટલા ફૂલ લેન્થ નાટકોમાં અને ઘણી સીરિયલમાં સંગીત આપ્યું છે. ખૂબ જ સારા દિગ્દર્શક અને અદાકાર એવા શ્રી રૂમી બારીઆએ પોતાના રમૂજી સ્વભાવ પ્રમાણે અનુભવ શેર કર્યા અને શ્રોતાઓને પ્રેરણા આપી. આવા કાર્યક્રમોથી ન ફક્ત બાળકો તથા યુવકોને પ્રેરણા મળે છે પણ દરેક વ્યક્તિ નવી ચેતના લઈને જાય છે.