આધુનિક ટેક્નોલોજીના યુગમાં, બાળકો શાલેય અભ્યાસ વ્યતિરિક્ત અનેક વિષયોને સહજતાથી જાણી શકે છે. પરંતુ જીવનમાં સફળ થહુ હોય, ધ્યેય પ્રાપ્તિ કરવી હોય તો સખત પરિશ્રમ અને સમર્પણ જ ઉપયોગી નીવડે છે, એ વાતથી અજાણ રહે છે. સ્વબળે, નવા વિચારોથી જીવનમાં કંઈક વિશેષ પ્રાપ્ત કરી બતાવનાર વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે બાળકો પરિચયમાં આવે, એમની સાથે ચર્ચા કરે, એમના વિચારોને સમજે અને એમના થકી તારવેલા જીવનસારનું સંભારણું પોતાના જીવન ઘડતર માટે એને ઉપયોગી નીવડે તો કેટલું સરસ!

સયાજી વૈભવ લાઈબ્રેરી નિરંતર નવા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓના જીવનને આકાર આપવાનો પ્રયત્ન કરે છે.

*” ચાલો માણસ વાંચીએ’” શ્રેણી અંતર્ગત નવસારી તથા નજીકના વિસ્તારના સમાજ શ્રેષ્ઠી પરંતુ નામની અભિલાષા વગર કામ કરનાર વ્યક્તિ વિશેષને પુસ્તક સ્વરૂપમાં મૂકીને વિદ્યાર્થીઓને એમની સાથે રૂબરૂ કરાવવાની એક નવી શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ દોઢ કલાકની મુલાકાત વિદ્યાર્થીઓને મજા લાવશે, આનંદ કરાવશે અને ખાસ તો જીવનના પાઠ ખૂબ સરળતાથી સમજાવશે એવી અપેક્ષા છે.