પુસ્તક, સામયિકો, સાહિત્ય વૈભવઃ
છેલ્લા ૧૨૫ વર્ષથી સાહિત્ય અને જ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય સેવા આપતી આવેલી આ સંસ્થામાં અસંખ્ય, અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ, સિંધી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓના પુસ્તકો મળી કુલ ૧,૪૬,૧૮૨ જેટલા પુસ્તકોનો ખજાનો પડેલો છે.
આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, રાજકારણ, સંગીત, લલિતકળા, ધર્મ, શિલ્પ, વિજ્ઞાન, જ્યોતિ, વાણિજ્ય, તત્વજ્ઞાન, ચિંતન, પર્યાવરણ તેમજ સ્ત્રીઓ અને બાળકોને ઉપયોગી ગુજરાતી, અંગ્રેજી તેમજ હિન્દી ભાષાના લગભગ ૧૧૫ જેટલા સામયિકો પણ મંગાવવામાં આવે છે. સંસ્થામાં ગુજરાતી, અંગ્રેજી મળી કુલ ૯ વર્તમાનપત્રો આવે છે.
પુસ્તકાલયમાં અસંખ્ય અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકોનો સંગ્રહ છે. તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, બાળસાહિત્ય, પ્રવાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, ઈતિહાસ અને જીવનચરિત્રો જેવા વિવિધ વિષયને લગતાં પુસ્તકો વાચકો માટે પ્રાપ્ય છે. એમ. ફીલ. કે પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને ક્યાંયે નહીં મળતા પુસ્તકો આ પુસ્તકાલયમાંથી ઉપલબ્ધ થાય છે.
વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભ ગ્રંથો જેવા કે વિશ્વકોશ, શબ્દકોશ, વિષય શબ્દકોશ, જીવનીકોશ, ગેઝેટીયર્સ, ગાઈડબુક, એટલાસ વિગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે.
| પુસ્તકોની સંખ્યા | |
|---|---|
| ગુજરાતી | 87451 |
| અંગ્રેજી | 44036 |
| હિન્દી | 12513 |
| મરાઠી | 1574 |
| સંસ્કૃત | 560 |
| સિંધી | 21 |
| બંગાળી | 15 |
| મલયાલમ | 10 |
| કુલ | 146215 |
| સામાયિકો | |
|---|---|
| ગુજરાતી | 86 |
| અંગ્રેજી | 16 |
| હિન્દી | 13 |
| કુલ | 115 |
| વર્તમાનપત્રો | |
|---|---|
| ગુજરાતી | 12 |
| અંગ્રેજી | 03 |
| હિન્દી | 01 |
| કુલ | 16 |
| અલભ્ય પુસ્તકો | |
|---|---|
| ગુજરાતી | 121 |
| અંગ્રેજી | 19 |
| કુલ | 140 |
વાચક વર્ગઃ
સયાજી વૈભવ પુસ્તકાલયમાં ૧૨૮૨૬ કુલ સભ્યો છે. જે પૈકી
- સ્ત્રી સભ્ય : ૨૪૮૩
- પુરુષ સભ્ય: ૩૯૫૦
- બાળ વાચકો : ૬૩૯૩
ઉપલબ્ધ સેવાઓઃ
નિઃશુલ્ક સભ્યપદઃ
વાચકો પાસે કોઈપણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પૂરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને ગુજરાતના જૂજ પુસ્તકાલયોમાંનું એક છે. સંસ્થાના હાલમાં ૬૪૩૩ જેટલા વાચક સભ્યો છે. એ જ પ્રમાણે ૬૩૯૩ જેટલા બાળવિભાગના સભ્યો છે.
પુસ્તકાલય ક્યારેય બંધ રહેતુ નથીઃ
અમારું પુસ્તકાલય સાપ્તાહિક રજા પાડતું નથી કે બંધ રહેતું નથી. અરે! જાહેર રજાઓમાં પણ બધુંયે બંધ હોય ત્યારે પુસ્તકાલય તો ખુલ્લું જ હોય. વિદ્યાર્થી વાચકો માટે તો રાત્રે ૧૦ વાગ્યા સુધી વાચનકક્ષ ખુલ્લો રહે છે. કોરોનાકાળની મહામારીના બે વર્ષના સમયગાળા દરમિયાન પણ અમારા પુસ્તકાલયની પ્રવૃત્તિઓ Webinar દ્વારા Online ચાલુ રહી. કદાચ રાજ્ય અને દેશ-વિદેશનું આ એકમાત્ર પુસ્તકાલય હશે જે કોરોનાકાળ વખતે પણ કાર્યશીલ રહ્યું.
ટેલિફોનિક પુસ્તક રીન્યુઅલઃ
પુસ્તકાલયથી દૂર રહી વાચકોને પુસ્તકો ફક્ત રીન્યુ કરાવવા માટે પુસ્તકાલય સુધી આવવું નહિ પડે એ આશયથી પુસ્તકોને ફોન પર રીન્યુઅલ કરવાની સુવિધા ફક્ત રાજયભરની આ એક જ લાઈબ્રેરીમાં કરી આપવામાં આવે છે.
હેલ્લો લાઈબ્રેરી (પુસ્તક આપના આંગણે):
એક યા બીજા કારણોસર રોજિંદા જીવનની ઘટમાળમાંથી સમય કાઢી ઘણાં લોકો પુસ્તકાલયમાં આવતા પરંતુ કોરોના કાળ દરમિયાન પ્રબુદ્ધ વાચકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી. જેથી પુસ્તકો વાચકો સુધી પહોંચી શક્યા નહીં. પુસ્તકો વાચકો સુધી પહોંચી શકે તે માટે સંસ્થાના ટ્રસ્ટીઓએ હેલ્લો લાઈબ્રેરી (પુસ્તક આપના આંગણે) સેવા શરૂ કરી. જેમાં વાચકોને ફોન કરી એમના રસના વિષયો જાણી એ પ્રમાણેના પુસ્તકો શોધી તેના પર વાચકોના નામના સ્ટીકર લગાડી એક થેલામાં પખવાડિયામાં એકવાર પુસ્તકો એમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે જનતાને ઘર બેઠા પુસ્તકાલય દ્વારા સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે વડીલો, દિવ્યાંગો માટે ઘર આંગણે પુસ્તકો હેલ્લો લાઈબ્રેરીની સેવા થકી હાલ ૪૪ વાચકો સેવા મેળવી રહ્યાં છે.
પુસ્તક રિઝર્વેશન પદ્ધતિઃ
વાચકોને જોઈતું પુસ્તક તરત મળી રહે તે માટે પુસ્તક રિઝર્વેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
વિશેષ વાચન સુવિધાઃ
ઘરે વાચવાની સગવડ ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે દિવસે તેમજ રાત્રે ૧૦ :૦૦ વાગ્યા સુધી વાચવા માટે રીડીંગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે.
વિશ્વગ્રામ ઈન્ટરનેટ સેવાઃ
વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સાયબર કાફે જેવી વિશ્વગ્રામ ઈન્ટરનેટ સેવા પણ ઉપલબ્ધ છે. એ થકી વિદ્યાર્થીઓ માટે ચાર કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વાઈફાઈના અનલિમિટેડ પ્લાન સાથે મૂકવામાં આવ્યા.
નવા પુસ્તકોનો વિડીયો દ્વારા પરિચય :
લાઈબ્રેરીમાં આવતા નવા પુસ્તકોનો પરિચય વાચક સુધી પહોંચાડવા માટે નવા પુસ્તકોનો વિડિયો તૈયાર કરી લાઈબ્રેરીના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે.
ફોટો કોપી સેવાઃ
વિદ્યાર્થી કે કોઈપણ વાચકને પુસ્તકાલયના કોઈ પણ પુસ્તક, મેગેઝિન, પેપર કે અન્ય સાહિત્યમાંથી તેમજ આ પુસ્તકાલયના જૂના અપ્રાપ્ય, મૂલ્યવાન પુસ્તકો, ફોટોગ્રાફસમાંથી નકલ જોઈતી હોય તો યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
વિશિષ્ટ સેવાઃ
- દર અઠવાડિયે અલગ અલગ વયજૂથની શ્રેણીમાં મહિનાના સાત પુસ્તકોનો પરિચય આપતી દુનિયાભરની આ પ્રથમ લાઈબ્રેરી હશે જેમાં ૧૭૩૫ જેટલા વક્તાઓ દ્વારા મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં પુસ્તક પરિચય થયો છે.
- જે પુસ્તક લાઈબ્રેરીમાં ઉપલબ્ધ નહીં હોય અને વાચક માંગ કરે તો તેમને ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
- જે વાચકોને પોતાના પુસ્તકો વસાવવા હોય તો તેમને પણ પ્રકાશકોનો સંપર્કસેતુ સાધી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
સંદર્ભ સેવાઃ
માહિતી વિસ્ફોટના આ યુગમાં યોગ્ય માહિતીને યોગ્ય વાચક સુધી પહોંચાડતા સંદર્ભ ગ્રંથો જેવા કે વિશ્વકોશ, શબ્દકોશ, જ્ઞાનકોશ, એનસાઈક્લોપીડિયા વગેરે આ વિભાગમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત આ પુસ્તકાલયના જૂના અપ્રાપ્ય અને માહિતીની દૃષ્ટિએ મૂલ્યવાન પુસ્તકો, ફોટોગ્રાફસ વગેરે અલગ રાખવામાં આવે છે.
પુસ્તક લોન સેવાઃ
આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ ન હોય એવાં પુસ્તકો અન્ય પુસ્તકાલયમાંથી મેળવી આપવામાં આવે છે.
કરિયર કોર્નર:
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર:
વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને પસંદગી માટે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું કરવું?કઈ લાઈનમાં આગળ વધવું જેવા મુંઝવતા પ્રશ્નો માટે સમયે સમયે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનના સેમિનારો પણ યોજવામાં આવે છે. જેના માટે એક અલગ કેરિયર કોર્નર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એ વિશેનું સાહિત્ય અલગ રીતે ઉપલબ્ધ છે.
પુસ્તક પરબઃ
પુસ્તકાલયને ભેટમાં મળતા પુસ્તકો જરૂરિયાતવાળા વાચકો સુધી પહોંચાડવા માટે પુસ્તક પરબમાં તેમજ સોશિયલ મીડિયાના ગૃપમાં પણ પરબ ચાલે છે.
લાઈબ્રેરીનું કોમ્પ્યુટરાઈઝેશનઃ
લાઈબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી શકાય છે. બારકોડ આધારિત હોવાને કારણે પુસ્તકોની આપ-લે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઈ છે.
સોલાર સિસ્ટમઃ
વર્ષ ૨૦૧૭-૧૮ કોમ્પ્યુટરાઈઝેશન, મોર્ડનલાઈઝેશન, ડિજીટલાઈઝેશન અંતર્ગત દસ લાખની ગ્રાંટ મળેલ તેમાંથી અતિ આવશ્યક એવી સોલાર સિસ્ટમ સુવિધા કરાઈ.
આ સિસ્ટમ કાર્યરત થયા બાદ તેના ફાયદા સ્વરૂપે જે ધનરાશિ બચત થાય છે, તે પુસ્તકાલયના વિકાસ અર્થેના કાર્યોમાં વપરાય છે.
માહિતી બેંક સેવા:
આ સેવા હેઠળ જોડાનાર વ્યક્તિ વ્યાજબી કિંમતે પોતાના મનપસંદ વિષયો અંગેની જુદા જુદા સામયિકોમાં પ્રસિધ્ધ થયેલી માહિતીની નકલ ઘર બેઠાં મેળવી શકશે.
શેરી પુસ્તકાલય(Community Library)
બાળકો દ્વારા, બાળકો અને સૌને માટેના પુસ્તકાલયો.વાચન પ્રવૃત્તિને વેગ આપવા અને તે પણ ખાસ કરી ને પુસ્તકો બાળકોને સરળતાથી મળી રહે તે માટે સંસ્થાએ નવસારીમાં ૧૦૦ શેરી પુસ્તકાલય શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે. નવસારીની જુદી જુદી શેરીઓમાં આવાં પુસ્તકાલયો શરૂ થશે. જે બાળકો દ્વારા જ ચલાવવામાં આવશે. આવાં ૧૧ શેરી પુસ્તકાલયો સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વ સંધ્યાએ (તા. ૨૪/૧૨/૨૦૦૬) એક સાથે નવસારીમાં શરૂ કરવામાં આવ્યા છે. સંસ્યાનું સ્વપ્ન છે કે નવસારી વિશ્રનું સૌથી પહેલું એવું શહેર બને કે, જેનાં દરેક બાળકો પુસ્તકાલયના સભ્ય હોય.
શેરી પુસ્તકાલયમાં નીચેની પ્રવુત્તિઓ થશે:
- મને ગમતું પુસ્તક વાર્તાલાપ.
- ધો. ૧થી ૪નાં બાળકો દ્વારા વાર્તા.
- શિશુમંદિરના બાળકોદ્રારા બાળગીતો.
- બહેનોની લોકગીતોની/ ગુજરાતી ગીતોની/લગ્નગીતોની હાલરડાંની હરીફાઈ.
- ક્વીઝ હરીફાઈ / પુસ્તક ક્વીઝ.
- વિચારગોષ્ઠિ.
- મોક પાર્લમેન્ટ.
- તેઓ મહાપુરુષો કેમ બન્યા?
- બૌદ્ધિક રમતોની હરીફાઈ.
- વેસ્ટમાંથી બેસ્ટ બનાવો.
- વિચાર-વાચન શિબિર.
- પરીક્ષામાં સફળતા શિબિર.
- કાર્યવાહક સમિતિના સભ્યોની શિબિર.
- બાળકો માટે ગીતગાન સ્પર્ધા (ગુજરાતી ગીતો).