પર્યાવરણ પ્રહરી: નંદનવન નવસારી

શુભારંભ

થોડાક વર્ષોથી હવામાં અને વાતાવરણમાં જે પણ ફેરફાર આપણે અનુભવી રહ્યા છીએ, તેની પાછળ અનેક કારણો હોય છે જેમાંથી માનવ ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડ આ એક મહત્વનું કારણ છે. જેના લીધે ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક ગંભીર સમસ્યાનો સામનો દરેક નાગરિક કરી રહ્યો છે.

સામાજિક ચેતનાનું કેન્દ્ર એવી શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી, વર્તમાન વિષયોને લઈને નવા પ્રોજેક્ટસ કરતી હોય છે. તારીખ 12મી સપ્ટેમ્બર 2024 , ગુરુવારે *પર્યાવરણ પ્રહરી: નંદનવન નવસારી* નામના પ્રોજેક્ટની શરૂઆત આ ગંભીર વિષયને લઈને થઈ છે. વિષયના કારણોને જવાબદાર આપણે હોઇએ ત્યારે એના નિરાકરણ માટે પણ વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્ન થવા જોઈએ, એ હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરીય અનેક શાળાઓ એમના શિક્ષકો અને વિદ્યાર્થીઓના માધ્યમથી આ પ્રોજેક્ટમાં સહભાગી થઇ છે. પરિણામ લક્ષી કાર્ય થવા માટે શાળાઓ વચ્ચે સ્પર્ધા કરીને સોરાબજી વાડીયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. સાથે અનેક સામાજિક સંસ્થાઓ પણ આમાં જોડાશે, જેનાથી જન અભિયાન પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ અને અભિયાન અંતર્ગત મહત્વના પાંચ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

  1. એનર્જી લીટરસી ટ્રેનીંગ (ઊર્જાના વપરાશને ઘટાડવા માટેના પ્રયત્નો અને ઉપાયોની ટ્રેનિંગ, Energy Swaraj Foundation સાથે)
  2. Wah ( Wrinkles Achhe Hai)

શું તમને ખબર છે કે એક જોડી કપડાં ઈસ્ત્રી કરવાથી 200 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે જે ૩૦૦ વર્ષ સુધી વાતાવરણમાં રહે છે. એ ઘટાડવા માટે ઈસ્ત્રી વગરના કપડા પહેરીને પણ આપ પર્યાવરણને નુકસાન થતા બચાવી શકો છો. કશું ન કરવાથી પણ પર્યાવરણને મદદ કરો છો. લાઇબ્રેરીના માધ્યમથી અનેક વ્યક્તિઓ આ અભિયાનમાં જોડાયા છે.

3. Say No To Plastic

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ જમીન અને જળને પ્રદૂષિત કરીને ફક્ત પ્રાણીઓ જ નહીં પરંતુ મનુષ્યના શરીર અને જીવને પણ જોખમમાં મૂકે છે. કાપડની થેલીનો વાપર કરીને આપણે આવું ઘણું પ્લાસ્ટિક વાપરવાથી મુક્ત થઈશું. જે પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે એવી વસ્તુઓ અલગથી ભેગી કરીને રિસાયકલ માટે આપી શકાય, જેથી પ્રદૂષણ કરવાથી એ બચી શકે.

4. સૌર ઊર્જા સહેલાઈથી પ્રાપ્ત હોવાથી સોલાર પેનલ્સ વાપરીએ તો આત્મ નિર્ભરતા તરફ પણ આપણે વળી શકીએ અને પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડી શકીએ.

5. ફક્ત રોપા રોપીએ નહીં પરંતુ વૃક્ષ બને ત્યાર સુધી એનું જતન કરીને સાચા અર્થમાં પર્યાવરણ પ્રેમી બનીએ, એટલા માટે વૃક્ષારોપણ કરીશું.

વિષય અને કાર્ય ખૂબ મોટું હોવાથી , દરેક જણ વૈયક્તિક અને સંગઠિત કાર્ય કરી શકે એ માટે પાંચ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેથી કોઈને અઘરું ન લાગે અને નાની કૃતિઓથી પણ એ પર્યાવરણ પ્રહરી થઈ શકે.

નવસારીના જ નહિ પરંતુ ઈતર શહેરોની પણ શાળાઓ, નાગરિકો અને સંસ્થાઓ આમાં જોડાઇ છે એનો આનંદ છે.

કાર્ય અઘરું છે પરંતુ અશક્ય નથી. આપની માનસિકતા અને કૃતિઓ ફક્ત બદલવાની જરૂર છે. નાગરિક અનુશાસનના સંસ્કાર ઘર, પરિવાર અને શાળાથી શરૂ થવા જોઈએ. સરકાર જ બધી સમસ્યાઓનો સંપૂર્ણ હલ કરે એ માનસિકતા માટે બહાર આવી જવાબદાર નાગરિક તરીકે અનુષાસનના ગુણ જાગૃત થાય એ બાબતે આપણે સૌ સંવેદનશીલ બનીએ. આવતીકાલની પેઢીને સ્વચ્છ હવા, પાણી અને જમીન સાથેની સુંદર વસુંધરા વારસામાં આપવી હોય તો જાગૃત થઈને થોડા પ્રયત્નો આપણે કરવા તો પડશે જ ને? ચાલો, સૌ સાથે મળીને *પર્યાવરણ પ્રહરી: નંદનવન નવસારી* પ્રોજેક્ટ થી પ્રયત્નોની શરૂઆત કરીએ, શું ખબર, આ જન આંદોલનને ભવિષ્યની પેઢીઓ આનંદથી આવકારશે અને વસુંધરા આશીર્વાદ આપશે.

પર્યાવરણ પ્રહરી: નંદનવન નવસારી જન જાગૃતિ રેલી

“પર્યાવરણ પ્રહરી, નંદનવન નવસારી:,
“પૃથ્વીની રક્ષા, મારી સુરક્ષા”, “પર્યાવરણની સમસ્યાનું કારણ હું અને નિરાકરણ પણ હું!” “એકજ લક્ષ્ય – ઊર્જા બચત!”, “Think, Act, Save!” “વૃક્ષ વાવો!”, “Say no to plastic!”
“There is no planet B!”…
એવા સૂત્રોચ્ચાર સાથે નવસારી શહેર ગુંજી ઉઠ્યું, અને સૂત્રોચ્ચાર કરનાર હતા ચિંતિત, પ્રતિનિધિત ૬૦૦ બાળકો!
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા પ્રેરિત “પર્યાવરણ પ્રહરી:નંદનવન નવસારી” પ્રોજેક્ટ તથા જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન તા. 21 મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. નવસારીના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર બાળકો પોતે જાગૃત થઇને મોટા નાગરિકોને જાગૃત કરવા આ અભિયાનમાં જોડાયા હતા.
મા. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી જીજ્ઞેશ દેસાઈ ( Director,NJ group), શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અનેક મહાનુભાવો, લાઇબ્રેરીના હોદ્દેદારો, અનેક સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી.
ગાંધી પ્રતિમાને સુતરની આટી પહેરાવીને મુખ્ય મહેમાનોએ રેલીનો શુભારંભ કરાવ્યો હતો. પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખે સૌનું સ્વાગત કર્યું હતું. કલેકટર અને ધારાસભ્યશ્રીએ માર્ગદર્શન પર ઉદ્ભોદન કર્યું હતું.
અનોખા ઉમંગ, ઉત્સાહ અને પૂરી સજાગતા અને જાણકારી સાથે વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા. પેટ્રોલ, ડીઝલના બદલે સાયકલનો ઉપયોગ વધારવા માટે સાયકલ લઈને પણ વિદ્યાર્થીઓ જોડાયા હતા. માર્ગ પર આવતા નાગરિકોને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી વાપરો એ સંદેશ આપતા ૨,૫૦૦ કાપડની થેલીઓનું તથા ૧૦૦ રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દર અઠવાડિયે રિસાયકલ પ્લાસ્ટિક કલેક્શન માટે આવતી વેન રેલીમાં જોડાઈ અને ઘણું પ્લાસ્ટિક ભેગુ થયું એની સાથે, નાગરિકોને આવી પ્રવૃત્તિ શહેરમાં થાય છે એનો પરિચય થયો.
લૂંસિકુઈ ખાતે આ રેલીનું સમાપન કરવામાં આવ્યું. શ્રી જીગ્નેશભાઈ દેસાઈ દ્વારા જીવનમાં પુસ્તકોનું મહત્વ, ટેવો કેળવવાની તરકીબ અને પર્યાવરણ માટે કઈ રીતે કાળજી લઈ શકાય એનું સુંદર માર્ગદર્શન ઉપસ્થિત સૌને આપવામાં આવ્યું . એક લાઇબ્રેરી દ્વારા , વિદ્યાર્થીઓના માધ્યમથી જે ભવિષ્યના નાગરિક છે આટલો સરસ મેગા પ્રોજેક્ટ અને જનજાગૃતિ અભિયાન ચલાવવું, એની દરેક ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી. માનદ મંત્રી અને આ પ્રોજેક્ટના કન્વીનર માધવી શાહે વિદ્યાર્થી, શિક્ષકો અને ઉપસ્થિત સૌને પર્યાવરણને નુકસાન ન થાય એ માટે આપણે કાળજી લેતા ૧૦ સંકલ્પોની શપથ લેવડાવી.
કાર્યક્રમના અંતે સૌ બાળકોને નાસ્તો અને ફળ આપવામાં આવ્યા. અમારા બાળ વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરી ટીમ અને સ્ટાફ જે હવે પરિવાર છે, NSS વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોનો સપોર્ટ રેલીને સફળ બનાવી શક્યો.
સમગ્ર રેલી અને કાર્યક્રમ સમયસર, શિસ્તબદ્ધ, ઉત્સાહપૂર્ણ રહ્યો.
આ રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ મહત્વના પાંચ મુદ્દાઓ પર કાર્ય શરૂ કર્યું છે:
૧) Energy literacy training (7000 થી વધુએ પૂર્ણ કરીને ઉર્જા બચત શરૂ કરી છે)
૨) Wrinkles Achhe Hai ( એક જોડી કપડાં ઇસ્ત્રી કરવાથી ૨૦૦ ગ્રામ કાર્બન ઉત્સર્જન થાય છે, એટલે શક્ય તેટલા દિવસ ઇસ્ત્રી વગરના કપડા પહેરવા)
૩) Say no to plastic (નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, કાપડની થેલી ઉપયોગમાં લેવી)
૪) વૃક્ષારોપણ
૫) સૌર ઊર્જાનો ઉપયોગ વધારવો.
નાની અને સરળ કૃતિઓથી મહાન કાર્ય શક્ય બને છે, જરૂર છે ફકત માનસિકતા બદલવાની અને દ્રઢ મનોબળની, કેમ કે આપણે પર્યાવરણને નથી બચાવતા, આપણી જાતને અને સમગ્ર મનુષ્ય જીવનને બચાવવાનું છે – આજથી, હમણાંથી!
બાળકોએ કાર્ય શરૂ કર્યું છે, આપ મોડા નથી પડતાં ને???