પ્રથમ પાનુ » વિવિધ વિભાગો - ભૌતિક વિભાગો    
બરોડા લાયબ્રેરી હેન્ડબુક (૧૯૨૬)માં એક રસપ્રદ માહિતી છે કે તે સમયના નવસારી પ્રાંતમાં ૧૯૪૩૭ જેટલી વસ્તી હતી. એમાંથી ૬૮૨૮ વ્યક્તિ શિક્ષિત હતી. આમાંથી ૩૪૧ લાકો લાયબ્રેરીનાં વાંચકો હતા. આ લાયબ્રેરીમાં ૬૯૮૮ પુસ્તકો સરક્યુલેશનમાં અને વધારાના બીજા ૬૫૪૯ પુસ્તકો વાચનાલયમાં હતા.

આજની તારીખે નવસારી શહેરની આશરે દોઢ લાખ જનસંખ્યા છે અને આસપાસના વિજલપોર, જલાલપોર, કાલિયાવાડી, ચોવીસી અને વિરાવળ જેવાં ક્ષેત્રોની આશરે ૧,૫૦,૦૦૦ જેટલી વસ્તી છે.

છેલ્લા ૧૧૧ વર્ષથી સાહિત્ય અને જ્ઞાનનાં ક્ષેત્રો અમૂલ્ય સેવા આપતી આવેલી આ સંસ્થામાં અસંખ્ય, અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઊર્દૂ, સિંધી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓનાં પુસ્તકો મળી કુલ ૮૮,૦૦૦ જેટલાં પુસ્તકોનો ખજાનો પડેલો છે.

આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, રાજકારણ, સંગીત, લલિતકળા, ધર્મ, શિલ્પ, વિજ્ઞાન, જ્યોતિષ, વાણિજ્ય, તત્વજ્ઞાન, ચિંતન, પર્યાવરણ તેમજ સ્ત્રીઓ અને બાળકોને ઉપયોગી લગભગ ૧૮૫ જેટલાં સામયિકો પણ મંગાવવામાં આવે છે.

શ્રી લલ્લુભાઇ મકનજી પટેલના પરિવાર તરફથી ગાંધી સાહિત્યના ૧૦,૦૦૦ જેટલાં પુસ્તકો ગ્રંથાલયને ભેટમાં મળેલા છે. પુસ્તકાલયમાં અસંખ્ય અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકોનો સંગ્રહ છે. તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, બાળસાહિત્ય, પ્રવાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને જીવનચરિત્રો જેવાં વિવિધ વિષયને લગતાં પુસ્તકો વાચકો માટે પ્રાપ્ય છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સિંધી અને અન્ય ભાષાઓમાં પુસ્તકો તથા મેગેઝિનો અહીં વાચવા માટે ઉપલબ્ધ છે.

ગ્રંથાલયમાં દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ છે. ઓડિયો અને વિડિયો કેસેટો દ્વારા દુનિયાના તમામ ક્ષેત્રો અંગેની માહિતી ઉપલબ્ધ છે. યુ.જી.સી., ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટી, ઇ.ટી. એન્ડ ટી., બી.બી.સી., નેશનલ જ્યોગ્રાફી, બિ્રટાનીકા એનસાઇક્લોપીડીયા, વલ્ર્ડ ઓફ સર્વાઇવલ જેવી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ૨૨૭ જેટલી વિડિયો કેસેટો અને ૪૨૫ જેટલી સીડી / ડીવીડી ઉપલબ્ધ છે. જે. કૃષ્ણમૂર્તિ. રજનીશ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ તથા ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો અને સર્જકોના પોતાના અવાજમાં લગભગ ૪૦૦ જેટલી ઓડિયો કેસેટો પણ ઉપલબ્ધ છે. આ દ્રશ્ય-શ્રાવ્ય વિભાગની શરૂઆત ૧૯૯૨-૯૩માં શ્રી ગુણવંત શાહના વરદ હસ્તે કરવામાં આવી હતી.

વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભ ગ્રંથો જેવાં કે વિશ્વકોશ, શબ્દકોશ, વિષય શબ્દકોશ, જીવનીકોશ, ગેઝેટીયર્સ, ગાઇડબુક, એટલાસ અને મેપ વિગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે.

પુસ્તકોની ખરીદી નિરંતર ચાલુ જ રહે છે. પુસ્તકોની પસંદગી એક સ્થાયી પેટા સમિતિ દ્વારા કરવામાં આવે છે. પુસ્તકો પસંદ કરવામાં વાંચકોના સૂચનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. લાયબ્રેરીને મોટી સંખ્યામાં પુસ્તકો ભેટમાં પણ મળે છે. નવા આવેલા પુસ્તકોનું પ્રદર્શન (ગોઠવણી) એક અલગ અને આકર્ષક શો-કેસ દ્વારા કરવામાં આવે છે જેથી વાચકોની દ્રષ્ટિ એમના પર તરત જ પડે.

ગ્રંથાલયમાં દશાંશ પતિથી પુસ્તકોનું વર્તીકરણ કરવામાં આવ્યું છે. વાચક પોતે જ પુસ્તક શોધી શકે તેવી મુક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રંથ ગોઠવણી મુખ્યત્વે વિષયોના આધારે કરવામાં આવી છે. આમાં ભાષાકીય વિભાજનને અગ્રતા આપવામાં આવી છે.

વાચક સભ્યો :

સંસ્થાના હાલમાં ૩૦૬૯ જેટલા વાચક સભ્યો છે. વાચકો પાસે કોઇપણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પૂરું પાડતું નવસારીનું આ એક માત્ર અને ગુજરાતનાં જૂજ પુસ્તકાલયોમાંનું એક છે. એ જ પ્રમાણે ૩૬૮૪ જેટલા બાળવિભાગના સભ્યો છે. શેરી પુસ્તકાલયના સભ્યોની સંખ્યા ૧૧૬૩ છે.

વાચન કક્ષ :

ઘરે વાંચવાની સગવડ ન ધરાવતાં વિદ્યાર્થીઓ માટે દિવસે તેમજ રાત્રો વાંચવા માટે રીડીંગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે.

લાયબ્રેરીનું કોમ્પ્યુટરાઇઝેશન :

લાયબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી શકાય છે. બારકોડ આધારિત હોવાને કારણે પુસ્તકોની આપ-લે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઇ છે.

વિવિધ વિભાગો :

શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ-ગાંધી સાહિત્ય વિભાગ :

સ્વ. લલ્લુભાઇ મકનજી પટેલ-મટવાડનાં વતની, સ્વાતંત્રય સેનાની, સંનિષ્ઠ સમાજ સેવક અને બહુશ્રુત વિદ્વાન, તેઓ તેમના વાચન શોખને કારણે એક સુંદર પોતાનું આગવું પુસ્તકાલય ધરાવતા હતા. એમના નિધન પછી પરિવારજનોએ સયાજી વૈભવ પુસ્તકાલયના વિશાળ વાચક સમુદાયને લક્ષમાં રાખી એમનું ગાંધી સાહિત્ય અને બીજા અનેક સુંદર પુસ્તકો સયાજી વૈભવ પુસ્તકાલયને દાનમાં આપ્યા.

શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ-ગાંધી સાહિત્ય વિભાગ' ગાંધી વિચારમાં રસ ધરાવનારાઓ અને સંશોધકો માટે અનેક સંદર્ભ ગ્રંથો ધરાવનાર 'ગાંધી સાહિત્ય વિભાગ' મૂલ્યવાન બની રહ્યો છે.
બાળ વિભાગ :

સંસ્થામાં હાલમાં સુંદર બાળ વિભાગ છે. બાળ વિભાગોમાં કુલ ૧૬૭૮૦ પુસ્તકો છે. બાળકોને ગમે એવા પર્યાવરણની રચના કરી જરૂરી શૈક્ષણિક ચાર્ટસ, મોડેલ, રમકડાંઓ, બુધ્ધિ કૌશલ્ય વિકસાવતા ઉપકરણો અને રમતો અને આધુનિક શૈક્ષણિક ઉપકરણો વસાવવામાં આવ્યા છે. તેમજ બાળકોને અનુરૂપ ફર્નિચરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ચંચળબા મહિલા વિભગ :

મહિલાઓને પોતાના રસના વિષયનાં પુસ્તકો સહેલાઇથી ઉપલબ્ધ બની રહે અને મહિલાઓમાં પણ વાંચન અભિરુચિ વિકસે એ હેતુથી અલગ મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

સ્વ. મણીલાલ મિસ્ત્રી ઇલેકટ્રોનિક લાયબ્રેરી : (દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ)

આજના ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકની ઉત્ક્રાંતિ થતી આવી છે. અને માહિતી વિવિધ પ્રકારનાં માધ્યમોમાં ઉપલબ્ધ છે. જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ મુખ્ય છે. દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ સાથે અહીં સીડી રોમ અને વિવિધ કોમ્પેક્ટ ડીસ્કની પણ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં જ કેસેટો જોઇ/સાંભળી શકાય તે માટે ટીવી, ટેઇપ રેકોર્ડર, ડીવીડી પ્લેયર વગેરેની પણ સગવડ છે. વિવિધ એનસાઇક્લોપિડિયાની સીડી/ડીવીડી પણ મલ્ટીમીડીયા કીટ સાથે ઉપલબ્ધ છે.

કેરીયર કોર્નર :

વિદ્યાર્થીઓને કારર્કીદી માર્ગદર્શન અને પસંદગી માટે માહિતી આપવા માટે એક અલગ કેરીયર કોર્નર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એ વિષેનું સાહિત્ય અલગ રીતે ઉપલબ્ધ છે.