આધુનિક યુગ માહિતીનાં વિસ્ફોટનો યુગ છે. જ્ઞાન અને માહિતીનાં પ્રસારણ માટે નવાં નવાં ઇલેક્ટ્રોનિક માધ્યમો વિજ્ઞાને આપણને આપ્યાં છે. પુસ્તકોની અને પુસ્તકાલયોની ઉત્ક્રાંતિ ખૂબ જ ઝડપથી થઇ રહી છે. વિવિધ ભાષાઓમાં પ્રસિધ્ધ થતાં પુસ્તકો, સામયિકોની સંખ્યામાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. જ્ઞાન અને માહિતીની ભૂખ સમાજમાં ઉઘડી છે. પુસ્તકાલયો તો આપણાં વિશ્વ વિદ્યાલયો છે, સરસ્વતીનાં મંદિરો છે, જ્ઞાનનાં મંદિરો છે. જ્ઞાન અને સંસ્કારથી સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માણ માટે સમૃધ્ધ ગ્રંથાલયોની ખૂબ જ જરૂર છે.

ઉપરોક્ત હેતુઓને લક્ષમાં લઇ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ આ પુસ્તકાલયનો કાયાકલ્પ કરવાનો સંકલ્પ કર્યો છે. આ પુસ્તકાલય એક શ્રેષ્ઠ, આદર્શ અને એકવીસમી સદીના પુસ્તકાલયને અનુરૂપ આધુનિક પુસ્તકાલય બની રહે તેમજ પુસ્તકાલય અને વાંચન પ્રવૃત્તિ વિકસે, ફૂલેફાલે એવા હેતુઓને લક્ષમાં લઇ કેટલાંક ટૂંકાગાળાનાં તેમજ કેટલાંક લાંબાગાળાના કાર્યક્રમોમાં આ તમામ પ્રકલ્પો-કાર્યક્રમો તબક્કાવાર જેમ જેમ દાન મળશે તેમ તેમ અમલમાં મૂકાતા જઇશુ.


આર્ટ ગેલેરી:

નવસારી કલાનગરી તરીકે જાણીતી છે. અહીંના કલાકારો અને ખાસ કરીને ઉગતા કલાકારો, બાળ કલાકારોને પ્રોત્સાહન મળે, એમની કલા વિકસે એવા ઉમદા હેતુથી એક આર્ટ ગેલેરીની સ્થાપના કરવામાં આવશે. જેમાં ચિત્રકલા તેમજ અન્ય કલાઓને લગતાં પ્રદર્શન યોજવાની સગવડ હશે. ઉગતા કલાકારો અને બાળ કલાકારોને પ્રોત્સાહન મળી રહે એ માટે વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવશે.


સંગ્રહાલય:

(જમશેદજી ટાટા, દાદાભાઇ નવરોજજી અને સયાજીરાવ ગાયકવાડનું જીવન દર્શન તપમજ ગુજરાત દર્શન) જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજજીની જન્મભૂમિ નવસારી છે. આ મહાન નરરત્નોએ અહીં જન્મ લીધો અને નવસારીને એક અનોખું ગૌરવ બક્ષ્યું. આ બન્ને નરરત્નોની જીવનઝાંખી પ્રાપ્ત થઇ શકે એવું કોઇ સ્મારક નવસારીમાં નથી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, જેમને હસ્તે આ પુસ્તકાલયની સ્થાપના થઇ હતી અને જેમણે પુસ્તકાલય પ્રવૃત્તિમાં ખૂબ મોટું યોગદાન આપ્યું, જેથી એમની જીવનઝાંખી પ્રાપ્ત થાય.


સંગીત લાયબ્રેરી:

સંગીતની વિવિધ ઓડિયો-વીડીયો કેસેટો ઉપલબ્ધ કરાવવામાં આવશે.


થીસિસ વિભાગ:

આ વિભાગમાં મહાવિદ્યાલય દ્વારા અથવા અન્ય સંસ્થા દ્વારા માન્ય કરેલ જુદા જુદા વિષયોનાં તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ થીસિસનો સંગ્રહ કરવામાં આવશે. આ વિભાગ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, જે તે વિષયની વિશેષ માહિતી મેળવી શકશે અને આ રીતે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે.