સામાજિક ચેતનાનું કેન્દ્ર નવસારી ગાયકવાડી નગરીમાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના શાસનમાં ઠેર ઠેર પુસ્તકાલયની પરબો મંડાઇ હતી એમાંનું નવસારીમાં એક જરીપુરાણ પુસ્તકાલય જેનું નામ શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી જેના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ. તેમજ અર્વાચીન શિલ્પી અને સ્થાપત્ય પરંતુ બાળકોના વ્યક્તિત્વ નિર્માણના કુશળ શિલ્પી શ્રી મહાદેવભાઇ દેસાઈ અને શ્રી જયપ્રકાશ મહેતાએ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના પુસ્તક ‘અસૂર્યલોક’ની વાંચન પ્રેરણાથી જર્જરિત ગ્રંથાલયનો જીર્ણોદ્ધાર કરી અદ્યતન પુસ્તકાલયનો જ્ઞાનમય સૂર્યોદય કર્યો.

     125 વર્ષના સુધી અસ્તિત્વ ધરાવતું આ પુસ્તકાલય અભિનવ પ્રવૃત્તિઓ થકી નગરવાસીઓને પુસ્તકાભિમુખ વાચનાભિમુખ કરવાના પ્રયત્નોરૂપે સંસ્કાર કેન્દ્રમાં પરિવર્તિત કરી નવસારી અને સમગ્ર પંથકના અગણિત જ્ઞાન પ્રેમીઓને પ્રેરણાના પીયૂષ પાનાર શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી નહીં પરંતુ જ્ઞાનધામ અને સામાજિક ચેતનાનું કેન્દ્ર બન્યું.

         શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય એટલે સંસ્કારી નગરીનું અનોખું આભૂષણ.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એને ‘પુસ્તકપ્રેમી’ નવસારી કહ્યું છે, તો શ્રી ભગવતીકુમાર શર્માએ એને ‘ગ્રંથતીર્થ’ કહ્યું, તો શ્રી રઘુવીર ચૌધરીએ એને ‘ગુજરાતનું વાચન પાટનગર’ કહી નવાજ્યું, તો શ્રી મોતીભાઈ પટેલે અને ‘ગુજરાતનું ઍથેન્સ’ ગણાવે છે, તો શ્રી વિષ્ણુ પંડ્યા સયાજી પુસ્તકાલયને ‘સંસ્કાર ઘડતરની યુનિવર્સિટી’ કહે છે.ચિંતક, વિદ્વાનો , સાહિત્યકારો અને રાજ્યના મુખ્યમંત્રી જેવા રાજપુરુષોએ એને વિશેષણો અને ઉપમાઓથી અનેક પ્રશંસાનાં પુષ્પો વેર્યાં છે.

ટી.વી., કેબલ, વિડિયો, ઇન્ટરનેટનાં આ યુગમાં જ્ઞાન માહિતી અને મનોરંજન મેળવવાનો પ્રાથમિક અને પહેલી પસંદગીનો દરજ્જો પુસ્તકોએ ગુમાવ્યો છે. ત્યારે દરેક નગરવાસીને પુસ્તકાભિમુખ કરવાના પ્રયત્નો રૂપે ‘સયાજી વૈભવ પુસ્તકાલયે’ અભિનવ પ્રવૃત્તિઓ શરૂ કરી પુસ્તકાલયને જીવંત ધબકતું વાચનાલય અને જ્ઞાનધામ બનાવ્યું છે.